શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ ૧૨૩ પોઇન્ટ સુધરીને ૧૭૮૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે નિફટી ૪૪ પોઇન્ટ સુધરીને ૫૪૧૨ની સપાટીએ રહ્યો હતો. આની સાથે જ નિફટીએ ૫૪૦૦ની સપાટી કુદાવી લીધી હતી. ચાવીરૂપ શેર ઇન્ડેક્સ આજે છ મહિનાની ઉંચી સપાટીએ રહ્યા હતા. ખાનગી બેંકિંગ ક્ષેત્ર દ્વારા મોડેથી કારોબારમાં લેવાલી હાથ ધરતા આ સ્થિતિ નોંધાઇ હતી. ઇન્ફોસીસ અને મેટલના શેરમાં પણ સુધારો થયો હતો. ચોથી ઓગસ્ટ ૨૦૧૧ના દિવસે સેન્સેક્સ ૧૭૯૪૦ અને ત્રીજી ઓગસ્ટ ૨૦૧૧ના દિવસે નિફટી ૫૪૦૪ની ઉંચી સપાટીએ પહોંચી હતી. આજે દિવસ દરમિયાન માર્કેટમાં ઉથલપાથલની સ્થિતિ રહી હતી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. જયારે યુરોપિયન બજારોમાં હકારાત્મક સ્થિતિ રહેતા તેની સીધી અસર ભારતીય શેરબજાર પર રહી હતી અને મોડેથી કારોબારમાં લેવાલી જામી હતી. જેથી ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નીચલી સપાટીથી સેન્સેક્સ રીકવર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સના શેરમાં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં ૪.૬ ટકાનો સુધારો થયો હતો. જયારે જિંદાલ સ્ટીલમાં ચાર ટકાનો સુધારો થયો હતો. તાતા પાવર, બજાજ ઓટો, એચડીએફસી બેંક, તાતા મોટર્સ ,વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી અને ઇન્ફોસીસમાં ૧.૪ ટકાથી ૩.૪ ટકા સુધીનો સુધારો થયો હતો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં બે-બે ટકાનો સુધારો નોંધાયો હતો. ઇન્ફોસીસમાં એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આજે મેટલ ઇન્ડેક્સમાં બે ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. રિયાલ્ટી ઇન્ડેક્સમાં પણ આશરે બે ટકાનો સુધારો રહ્યો હતો. બીએસઇ બેંકિંગ ઇન્ડેક્સમાં ૨૧૯ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. યુનિયન બેંકના શેરમાં સૌથી ઉંચો સુધારો જોવા મળ્યો હતો. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, આઇટી, પીએસયુ અને એફએમસીજીના શેર આજે કારોબાર દરમિયાન તેજીમાં રહ્યા હતા. એકંદરે સ્થિતિ સાનુકૂળ રહી હતી.