ટીમ ઈન્ડિયાને વિશ્ર્વકપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આધારભૂત બેસ્ટમેન યુવરાજસિંહની બિમારી અંગે નવો ફણગો ફુટયો છે. અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફ'ના અહેવાલ અનુસાર યુવરાજસિંહ હાલમાં અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યો છે. સુત્રો એવુ માની રહ્યાં છે કે યુવરાજ સારવાર પુરી થયા બાદ સ્વસ્થ થઈ જશે.
જો કે યુવરાજના પરિવારજનોએ આ સમાચારોને સમર્થન નથી આપ્યું. થોડા દિવસ પહેલા યુવરાજસિંહે પોતે કહ્યું હતું કે મે કોઈ ઓપરેશન કરાવ્યું નથી માત્ર સારવાર કરવા માટે દવાઓ લીધી છે. ટેલિગ્રાફના અહેવાલ અનુસાર યુવરાજના ડાબા ફેફસામાં અને હૃદયમાં ટયુમર છે અને આ માટે તે અમેરિકામાં સારવાર કરાવી રહ્યો છે. યુવરાજસિંહએ સારવાર માટે કેમોથેરાપીની સારવાર લીધી છે.
દરમિયાન ડેઈલી ટેલીગ્રાફના અહેવાલને યુવરાજસિંહના ફિઝીયો જતીન ચૌધરીએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુવરાજસિંહ ૨૬મી જાન્યુઆરીએ કેન્સરની સારવાર માટે અમેરિકા ગયેલો છે અને મોટાભાગે તેને ૨૨મી માર્ચે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજી બાજુ બીસીસીઆઈએ પણ યુવરાજસિંહની તમામ સારવારનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે.
યુવરાજસિંહને ડાબા ફેફસામાં કેન્સર હોવાના સમાચારો મળતા તેના લોકો ચાહકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે.