યોગગુરૂ બાબા રામદેવ અને ટીમ અણ્ણા ફરી એક વખત સાથે મળીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇ લડશે. ૨૧મીથી ટીમ અન્ના અને બાબા રામદેવ સાથે મળીને ચૂંટણી પ્રચાર કરશે. પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે બંનેએ હાથ મિલાવ્યા છે. બંને જણ સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારોને મત આપવા માટે મતદારોને જાગૃત કરશે બંને કોઇપણ પક્ષની તરફેળમાં કે વિરૂદ્ધમાં મત આપવા પ્રચાર નહી કરે. ટીમ અણ્ણાના સભ્ય મનીષ સિસોદિયાએ બાબારામદેવને સાથે ચૂંટણી પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ બાબા રામદેવે ટીમ અન્નાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. જો કે હજુ સ્પષ્ટ નથી કે બાબા રામદેવ ટીમ અણ્ણા સાથે ક્યારે અને ક્યાં પ્રચાર કરશે.
બીજી બાજુ ટીમ અન્નાએ પહેલાથી જ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ નક્કી કરી દીધો છે. જે અનુસાર ૨૧મીએ ઉત્તરાખંડના હરિદ્વાર મતદારોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરાશે. ૨ ફેબ્રુઆરીથી અન્નાના સહયોગી ઉત્તરપ્રદેશના અલગ-અલગ ભાગોમાં જશે. નોંધનીય છે કે બાબા રામદેવ કાળાનાણા અને ટીમ અન્ના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મજબૂત લોકપાલનો મુદ્દો ઉઠાવી રહી છે. બાબા રામદેવને તેમના પહેલા કાર્યક્રમમાં જ પીછેહઠ સાંપડી હતી. સરકારે મોડી રાત્રે જબરદસ્તીથી કાર્યક્રમ આટોપી લેવડાવ્યો હતો. જયારે ટીમ અણ્ણાને બીજા કાર્યક્રમમાં પીછેહઠ સાપડી હતી. જેના પગલે બંને એ હાથ મિલાવ્યા હોવાનુ રાજકીય પંડિતો માની રહ્યાં છે.