રાહુલે ઉત્તર પ્રદેશમાં ત્રીજા ચરણ માટે પ્રચાર શરૂ કર્યો
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થઇ ગયાં બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં મોરચા સંભાળી લીધા છે. રાહુલ ગાંધીએ આજે પ્રચારના ત્રીજા તબક્કાની શરૂઆત કરી હતી. રાહુલે ચૂંટણી પ્રચારના ત્રીજા તબક્કાની શરૂઆત કરતાં રાજયમાં પરિવર્તન લાવવા લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષથી લોકોના હાથ બંધાઇ ગયાં છે. હવે લોકોને વિકાસ તરફ નજર કરવાની જરૂર છે. સીતાપુરમાં સીધૌલી મત વિસ્તારમાં ચૂંટણીસભાને સંબોધતા રાહુલે માયાવતી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત થયાં બાદ રાહુલ પ્રથમ વખત પ્રચાર માટે પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશમાં ૪, ૮, ૧૧, ૧૯, ૨૩ અને ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણી યોજાનાર છે. તેમના અગાઉના વલણનો પુનરોચ્ચા કરતાં રાહુલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ ચૂંટાઇને સત્તા પર આવશે તો તે સામાન્ય લોકોના વિકાસ માટે કામ કરશે અને પાંચ વર્ષની અંદર ઉત્તર પ્રદેશને મોડલ રાજય બનાવશે. રાહુલે કહ્યું હતું કે, અમને પાંચ વર્ષ આપો અને પછી અમે શું કરી શકીએ છીએ તે જુઓ. ગરીબો, લઘુમતિઓ, પછાત જાતિઓ અને અન્ય લોકોને સાથ આપવા રાહુલે અપીલ કરી હતી. માયાવતી સરકાર ઉપર આક્ષેપો કરતા રાહુલે કહ્યું હતું કે, શાસક બસપને રાજયમાં લોકો દ્વારા સામનો કરવામાં આવી રહેલી તકલીફોની કોઇ ચિંતા નથી. બસપ વડાએ ક્યારેય પણ કોઇ ગામની મૂલાકાત લીધી નથી. ગામના રસ્તાઓ ઉપર ચાલ્યાં નથી, રાત્રી ગાળી નથી તેથી ગરીબીને તેઓ કઇ રીતે સમજી શકે છે. તેમની સમસ્યાઓને પણ બસપના નેતાઓ સમજી શકે નહીં.