બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ તરફથી પંજાબના નેતાઓને ટાર્ગેટ બનાવવાની માહિતી મળ્યાં બાદ પંજાબ પોલીસને પત્ર લખીને સુરક્ષા મજબૂત કરવા દિલ્હી પોલીસે કહ્યું છે. દિલ્હી પોલીસને આ સંબંધમાં બાતમી મળી હતી. દિલ્હી પોલીસને હજુ સુધી કયા નેતાઓ હિટ લિસ્ટમાં છે તે અંગે માહિતી મળી નથી. પંજાબ પોલીસને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. પંજાબમાં ચૂંટણી દરમિયાન મોટા આતંકવાદી હુમલા થઇ શકે છે. દિલ્હી પોલીસની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટોચના નેતાઓને ટ્રાર્ગેટ બનાવી શકે છે.
પોલીસ રિમાન્ડમાં રહેલા બબ્બર ખાલસાના આતંકવાદી શરબ પ્રિત અને જશવિંન્દર પાસેથી મળેલી માહિતી મૂજબ પાકિસ્તાનમાં આ સંગઠનના માસ્ટર માઇન્ડ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે. બબ્બર ખાલસાનો ઇન્ટરનેશનલ લીડર વાધવાસિંહ આ કાવતરા પાછળ મુખ્ય માસ્ટર માઇન્ડ છે. થોડાક દિવસ પહેલા જ દિલ્હી પોલીસની ટીમે શાલીમાબાગ વિસ્તારમાંથી શરબ પ્રિતને પકડી પાડ્યો હતો. ત્યારબાદ જશવિન્દર સિંહની ધરપકડ પંજાબના રોપર વિસ્તારમાંથી કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યાં હતાં. એવી માહિતી પણ મળી હતી કે, આ બંનેને ઘણાં ર્ધાિમક લિડરોની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પિસ્તોલ અને જંગી નાણાં વાધવાસિંહ દ્વારા આ બંનેને ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. શરબ પ્રિત ગુપ્ત રીતે શેરબજારમાં કામ કરી રહ્યો હતો. તેને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. શરબ પ્રિતને યુવાનોની ભરતી કરવા માટેની કામગીરી પણ સોંપવામાં આવી હતી. બબ્બર ખાલસાના આતંકવાદીઓ પણ ચૂંટણી દરમિયાન સક્રિય થઇ શકે છે. અંબાલામાં થોડાક દિવસ પહેલા જ હથિયારો ભરેલી એક કાર કબ્જે કરવામાં આવી હતી.