દેશભરમાં જનલોકપાલ બિલ મુદ્દે અભિયાન છેડનાર ટીમ અણ્ણાની રાઈટ ટુ રીકોલની માંગનું સમર્થન કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે આના પરિણામે દેશની લોકશાહી વધુ મજબૂત થશે. રાઈટ ટુ રીકોલને અમલમાં મુકવા માટે બંધારણમાં સંશોધન કરવાનું સૂચન પણ નીતિશકુમારે કર્યું હતું. ગઈકાલે જ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ ટીમ અણ્ણાની રાઈટ ટુ રીકોલની માંગ નકારી દેતા કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત બોલાવવા અને મતદાનમાં ઉમેદવારોને નામંજૂર કરવાની જોગવાઈથી દેશમાં અસ્થિરતા ઉભી થશે.
પટણામાં મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલ જનતા દરબારમાં પત્રકારો સાથે વાતચીત કરતા નીતિશકુમારે કહ્યું હતું કે આરટીઆઈની સાથે ફરજના અધિકાર કાયદાને જોડવાથી લોકશાહી વધુ મજબૂત બનશે. આરટીઆઈના દાયરાને વધુ વધારવો જોઈએ. તેની જોગવાઈઓને પણ મજબૂત કરવી જોઈએ.
નીતિશકુમારે ભારપૂર્વક કહ્યું હતું કે જન પ્રતિનિધિઓને પરત બોલાવવાના અધિકારથી લોકશાહી મજબૂત બનશે. આના માટે મંત્રણા અને વિચારણા કરીને સર્વસ્વિકૃત માર્ગ શોધવો જોઈએ. નીતિશે કહ્યું હતું કે આ બાબત જયપ્રકાશ નારાયણના આંદોલનની ઉપજ છે. જયપ્રકાશ નારાયણે જનપ્રતિનિધિઓને પરત બોલાવવાનો અધિકાર મતદારોને આપવાની માંગ દેશમાં સૌપ્રથમ વખત કરી હતી. જોકે સરકારે હજુ સુધી આ માંગ પર કોઈ વિચારણા જ આજ સુધી કરી નથી. હાલના બંધારણમાં રાઈટ ટુ રીકોલની કોઈ જોગવાઈ નથી. જોકે આના માટે કોઈ સમાધાનકારી માર્ગ શોધવો જરૂરી છે.