લોક-જનપાલ બિલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે આગામી ૧૬મીથી શરૂ થનારા ઉપવાસ આંદોલન માટે સામાજીક કાર્યકર અન્ના હજારેને ત્રણ દિવસની જ મંજૂરી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૭૨ કલાક જો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તો કડક પગલાં લેવાની દિલ્હી પોલીસે તૈયારી કરી લીધી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કાતેના ફિરોઝશાહ કોટલા મેદાન નજીક આવેલા જયપ્રકાશ નારાયણ પાર્ક ખાતે યોજાનારા ઉપવાસ આંદોલન માટે સામાજીક કાર્યકર અન્ના હજારેની ટીમને ત્રણ દિવસનો જ સમય આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવતા સીપીડબલ્યુડીને મુદત લંબાવી આપવાની અરજી પણ અન્નાની ટીમે કરી છે.
મંત્રાલયને આ અરજી દિલ્હીના ઉપરાજયપાલ તેજીન્દર ખન્નાના કાર્યાલયને અંતિમ નિર્ણય માટે મોકલી છે. નોંધનીય છે કે, લોકજનપાલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે જંગે ચડનારા અન્ના હજારે એ ૧૬મીથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે. લોકપાલ બિલમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ આવરી લેવા ભારે અન્ના હજારે ઉપવાસ પર ઉતરવાના છે.
કેન્દ્ર સરકારે સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્રમાં રજૂ કરેલા લોકપાલ બિલમાં વડાપ્રધાનને આવરી લેવાની કોઇ જોગવાઇ કરી નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગગુરુ બાબા રામદેવ કાળા નાણાં મુદ્દે બે મહિના પહેલાં દિલ્હીમાં ઉપવાસ પર ઉતર્યા હતા. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરીને આંદોલન સમેટી લેવાની ફરજ રામદેવને પાડી હતી. જેના પગલે ભારે વિવાદ ઉભો થયો હતો.