પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી
શહેરના પ્રહલાદ પ્લોટમાં શેરી નં.૫ના કાટખુણે આવેલા ૨૬૦ વારના કિંમતી મકાન ઉપર કબજો કરવા બાબતે બે મોટા માથાઓ સામે સામે આવી જતાં બઘડાટી બોલી હતી. કોર્પેારેશનના પૂર્વ કર્મચારીએ ક્રાઈમ બ્રાંચના પીઆઈ તેમજ શહેરના નામી બિલ્ડર સહિતના શખસો સામે કોર્ટમાં ફરિયાદ કરી છે ત્યારે સામા પક્ષે વિપ્ર વૃધ્ધે પણ પૂર્વ કોર્પેારેશનના કર્મચારી સામે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરતાં આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે પ્રહલાદ પ્લોટ ખાતે આવેલા મકાન ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સમગ્ર પ્રકરણની વિગતો મુજબ સાઉથ આફ્રિકાના ડરબન ખાતે ગીરજાશંકર હીરજીભાઈ ભટ્ટનું મકાન શહેરના પેલેસ રોડ ઉપર શેરી નં.૫ આવેલું છે. વોર્ડ નં.૫ સર્વે નં.૧૮૬૬૬૭માં આવેલા ૨૬૦ વારના આ કરોડોની કિંમતના મકાનના કુલમુખત્યારે અલગ અલગ બે વ્યકિતઓને દસ્તાવેજ કરી દેતા હવે આ મકાનના કબજા બાબતે કુલમુખત્યાર નામુ ધરાવનારાઓ સામ સામે આવી ગયાં છે. જેમાં પૂર્વ કોર્પેારેશનનાં કર્મચારી જયેન્દ્ર ઉર્ફે વસંતલાલ પંડીયાએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં આરોપી તરીકે શહેરના નામી બિલ્ડર પંકજ ચમનભાઈ લોઢીયા તેમજ રાજકીય આગેવાન દિનેશ મગનભાઈ કારીયા તથા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.ડી.શ્રીવાસ્તવ તથા સોનીબજારના ઝવેરી ભરત મુળજીભાઈ ઘોરડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ મૃતક ગીરજાશંકર ભટ્ટે તેમના માલીકીનું આ મકાન ભુદરભાઈના માતૃશ્રી શાંતાબેન વસંતભાઈ પંડયાના નામે કયુ હોય બાદમાં શાંતાબેનનું અવસાન થતાં તા.૭–૩–૨૦૦૬ના રોજ વસીયતનામાની રૂએ આ મકાન ભુદરભાઈ પંડયાના નામે કરી દેવામાં આવ્યું હતું અને તેમનો કાયદેસરનો માલીકીનો કબોજ હતો. તેઓ મુંબઈ કોઈ કામસર બહાર જતાં તા.૧૯–૧૧ના રોજ પરત આવતાં તેમના મકાનના તાળા તુટેલા હતાં અને ત્યાં બે સિકયોરીટી મેન રાખી દેવાયા હતાં. તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ક્રાઈમ બ્રાંચના પીઆઈ તથા બિલ્ડર પંકજ લોઢીયા તથા રાજકીય આગેવાન દિનેશ કારીયા સહિતનાઓએ આ મકાન ઉપર કબજો કરેલો છે. આ અંગે તેમણે પોતાના વકીલ પારસ લાઠીયાના મારફત કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આ મકાનનું કાયદેસરનું વિલ પોતાની પાસે હોવાનું જણાવનાર ભરતભાઈ મુળજીભાઈ ઘોરડાએ ભુદર ઉર્ફે જયેન્દ્ર વસંતલાલ પંડયા સામે પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી છે. આજ રોજ રાજકીય આગેવાન દિનેશ કારીયા તેમજ ભરતભાઈ સોની અને બિલ્ડર પંકજ લોઢીયા 'આજકાલ' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં અને આ બાબતે મકાનના દસ્તાવેજી પુરાવા સાથે મકાનનો હકક પોતાનો હોવાનું જણાવ્યું હતું અને તેમની સામે થયેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતંુ.
રજૂઆતમાં જણાવ્યાં મુજબ મૃતક ગીરજાશંકર વીરજીભાઈ ભટ્ટના કાયદેસરના વારસદાર જગદીશ કેશવલાલ ભટ્ટ જે જેઓ ડરબન ખાતે રહે છે તેઓ તેમના ભાડુઆત વિજય પ્રિતમલાલ વ્યાસને આ મકાન ભાડાપટ્ટે આપ્યું હતંુ. સમજૂતી કરાર કર્યા બાદ વિજય પ્રિતમભાઈ વ્યાસે આ મકાન જગદીશભાઈના કુલમુખત્યાર ભરત મુળજીભાઈ ઘોરડાના નામે આ મકાન સોંપી આપ્યું હોય છતાં આ મકાનમાં ભુદરભાઈ ઉર્ફે જયેન્દ્રભાઈએ કબજો કરી આ મકાન પચાવી પાડવાનો કારસો રચ્યો હોય આ અંગે પોલીસ કમિશનર સમક્ષ યોગ્ય તપાસનો આદેશ કરવામાં આવ્યો છે.
પ્રહલાદ પ્લોટમાં આવેલા કરોડોની કિંમતના આ મકાનના કબજા બાબતે બન્ને જુથ સામે સામે આવી જતાં હાલ પોલીસે મકાન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ પ્રકરણની તપાસ બાદ યોગ્ય નિર્ણય પોલીસની હાજરીમાં જ લેવામાં આવનાર છે. આ અંગે પોલીસ કમિશનર સમક્ષ વિજયભાઈ પ્રિતમભાઈ વ્યાસે તેમજ જગદીશભાઈ ભટ્ટના કુલમુખત્યારના દરજજે ભરતભાઈ ઘોરડાએ કરેલી ફરિયાદ બાદ પોલીસે તપાસના આદેશ આપ્યાં છે