ઘનશ્યામનગરમાં ઘર પાસે બેસવાની ના કહેતા ગરાસિયા યુવાન પર ત્રણ શખસોનો હુમલો
શહેરના ભક્તિનગર પોલીસ મથકની હદમાં આવેલ ઘનશ્યામનગર અને લાલબહાદુર સોસાયટીમાં નજીવી બાબતે બોલાચાલી થતાં મારામારી સર્જાતા ગરાસિયા યુવાન અને પટેલ પરિણીતાને ઇજા થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગેની વિગતો મુજબ રઘુવીર સોસાયટી સહકાર સોસાયટી મેઇન રોડ પર રહેતો રામદેવસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.21) તેના મિત્ર રવિરાજસિંહના ઘરે ઘનશ્યામનગરમાં હતો ત્યારે ઘર પાસે બેસવા બાબતે પોપટ બાવાજી, રસિક બાવાજી તથા ઢીગો ખવાસ નામના ત્રણેય શખસોએ લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં ઘવાયેલા ગરાસિયા યુવાનને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બોલબાલા માર્ગ પાસે 80 ફૂટ રોડ પર લાલબહાદુર સોસાયટીની બાજુમાં રાધાનગર સોસાયટીમાં રહેતી વસંતબેન લાલજીભાઇ ગજેરા (ઉ.વ.35) નામની પટેલ પરિણીતા તેના દિકરા અક્ષયને સ્કૂલેથી તેડીને ઘરે આવતી હતી ત્યારે છોકરાઓ ચારા પાડતાં હોય જે બાબતે બોલાચાલી થતાં છાયાબેન અને તેના પુત્રએ લોખંડના પાઇપ અને ઢીકા પાટુનો માર મારતાં પટેલ પરિણીતાને ઇજા પહોંચતા દાખલ કરવામાં આવી છે. મારામારીના બન્ને બનાવોમાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં હે.કોન્સ.બી.આર.ગઢવીએ બન્નેની ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.