વીરપુરના જલારામ બાપા પરિવારના મોભી એવા જયસુખરામ બાપાની તબિયત અચાનક લથડી હતી. તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં રાજકોટની સ્ટલિગ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું ડો.ચિરાગ માત્રાવડીયાએ જણાવ્યું હતું. આ અંગેની જાણ થતાં ભકતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું તેમના ભકતો સ્ટલિગ હોસ્પિટલ ખાતે તેમની ખબર અંતર પૂછવા દોડી ગયા હતાં.
વીરપુરના જલારામ બાપા પરિવારના જયસુખરામબાપાને છેલ્લા એક સાહથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમની તબિયત અચાનક લથડી હતી અને સારવાર માટે તેમને રાજકોટની સ્ટલિગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સ્ટલિગ હોસ્પિટલના ડો.ચિરાગ માત્રાવડીયા કે જેઓ જયસુખરામ બાપાની સારવાર કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે, ૮૩ વર્ષના જયસુખરામ બાપાની તબિયત હાલ સુધારા ઉપર છે.
જયસુખરામ બાપાને ફેફસામાં ન્યુમોનિયા હોવાથી શ્ર્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. હજુ પણ તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં મોરારીબાપુ તેમજ ગોંડલના હરીચરણદાસજી તેમની ખબર પૂછવા રાજકોટ દોડી આવ્યા હતાં તેમજ જયસુખરામ બાપાના ભકતોને પણ આ અંગેની જાણ થતાં સ્ટલિગ હોસ્પિટલ ખાતે તેમના ભકતો જયસુખરામ બાપાની તબિયત પૂછવા દોડી આવ્યા હતાં. હજુ પણ જયસુખરામબાપાને સારવાર માટે સ્ટલિગ હોસ્પિટલમાં થોડા દિવસ રાખવામાં આવશે તેમ તબીબો જણાવી રહ્યા છે