ચોટીલાના હીરાસર ગામે ખેડૂતના મકાનમાંથી બે પરપ્રાંતિય મજૂરો ધોળે દિવસે નજર ચૂકવી પિત્તળની ગોળીમાં છૂપાવેલા ૪.૭૫ લાખની કિંમતના ૨૮૫ ગ્રામ સોનાના દાગીના ઉઠાવી ગયાની પોલીસ દતરે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી બન્ને મજૂરની સઘન શોધખોળ શરૂ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, ચોટીલાના હિરાસર ગામે રહેતાં ખેડૂત ધીરૂભાઇ રાવતભાઇ ખાચરે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મધ્યપ્રદેશના દાબડી ગામના જીગર અને આંબવા ગામના મોહન નામના બે શખસોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ખેતરમાં બન્ને મજૂર છેલ્લા ચાર માસથી કામ કરતાં હતાં. તાજેતરમાં જ ફરિયાદીના મકાનમાં ચણતર કામ ચાલતું હોય ગઇકાલે આ બન્ને મજૂર મકાનનું કામ કરવા માટે આવ્યા હતાં. આ વખતે ફરિયાદી અને તેમના પરિવારજનોની નજર ચૂકવી પીત્તળની ગોળીમાં છૂપાવેલ સોનાનો હાર, સોનાના પાટલા, સોનાના બલોયા, સોનાના ઝુમ્મરવાળી બુંટી, કાનનો સેટ મળી કુલ ૪,૭૦,૪૮૦ની કિંમતના ૨૮૫ ગ્રામ સોનાના દાગીના ઉઠાવી ગયા હતાં.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ફરિયાદીની પુત્રી માયાબેન માવતરે આંટો દેવા આવી હોય તેના દાગીના પણ પિત્તળની ગોળીમાં રાખવામાં આવ્યા હતાં જે બન્ને પરપ્રાંતિય મજૂરો ઉઠાવી ગયાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધી બન્ને પરપ્રાંતિય મજૂરની શોધખોળ શરૂ કરી છે.