ભારત સાથે ટેસ્ટ શરૂ થતાં જ ઈંગ્લેન્ડ રચશે મોટો ઈતિહાસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતી કાલથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રારંભ થશે. જેની પ્રથમ મેચ બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર રમાશે. આ મેચમાં ઉતરવાની સાથે ઇંગ્લેન્ડની ટીમ ઇતિહાસ રચતાં ૧,૦૦૦મી ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ બની જશે. ૧૪૧ વર્ષ પહેલાં ૧૯૭૭માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કરનાર ઇંગ્લેન્ડે અત્યાર સુધી ૯૯૯ ટેસ્ટ મેચ રમી છે જેમાં ૩૫૭ મેચ જીતી છે જ્યારે ૨૯૭ મેચમાં પરાજય થયો છે. ૩૪૫ ટેસ્ટ મેચ ડ્રો કરી છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૮૧૨ ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. જોકે, જીત મેળવવાના મામલે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ ૩૮૩ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે જ્યારે ૨૧૯ મેચમાં હાર મળી છે. ૨૦૯ ટેસ્ટ મેચ ડ્રો કરી છે અને બે મેચ ટાઈ થઈ છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૭૭માં રમી હતી પરંતુ સૌથી પહેલાં ૧,૦૦૦ ટેસ્ટ મેચ રમવાનું ગૌરવ ઇંગ્લેન્ડની ટીમને મળશે. ઉલ્લેખનીય છે કે, ૧૮૭૭થી લઈને અત્યાર સુધી કુલ ૨,૩૧૩ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. છેલ્લે આયરલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમને ટેસ્ટક્રિકેટનો દરજ્જો અપાતાં હવે ટેસ્ટ રમનાર ૧૨ દેશ થઈ ગયા છે.