REA લીન મેન્યુફેકચરિંગ કલસ્ટર સ્કીમની અમલવારીમાં રાજ્યમાં પ્રથમ

March 20, 2017 at 3:25 pm


ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય દ્વારા લઘુ ઉદ્યોગમાં ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મેનેજમેન્ટની અદ્યતન લીન મેન્યુફેકચરીંગ કલસ્ટર સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. જેમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા પાંચ લીન કલસ્ટર અમલમાં મુકવામાં આવ્યા છે. જયારે આગામી ટૂંક સમયમાં અન્ય લીન કલસ્ટર અમલમાં મુકવામાં આવશે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા અમલમાં મુકાયેલ પાંચ લીન કલસ્ટરને કારણે ફાઉન્ડ્રી, ઓટોમેટીવ, ટ્રેકટર સહિતના ઉદ્યોગોને ફાયદો થયો છે અને આ કલસ્ટરમાં જોડાનાર નાના એકમોનો વિકાસ પણ થયો છે.
લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેઓની ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય દ્વારા લીન મેન્યુફેચરીંગ કલસ્ટર અમલમાં મુકેલ છે. નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલ ગાંધીનગરની દેખરેખ હેઠળ એનપીસી તેમજ કયુસીઆઈ એજન્સી દ્વારા આ પ્રોજેકટનું મોનીટરીંગ કરવામાં આવે છે. આ પ્રોજેકટના અમલીકરણ માટે દોઢ વર્ષનો સમયગાળો હોય છે. તેમજ અંદાજીત 36 લાખની લીમીટમાં આ પ્રોજેકટનું અમલીકરણ થાય છે. આ પ્રોજેકટના અમલીકરણ માટે 80 ટકા હિસ્સો ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય ભોગવે છે. તથા 20 ટકા હિસ્સો ભાગ લેનાર એકમોના હિસ્સે આવે છે. આ પ્રોજેકટના અમલીકરણથી થતાં ફાયદા અંગે માહિતી આપતા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન વતી વિમલભાઈ મોણપરાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટથી લાભ લેનાર એકમોની ઉત્પાદકતામાં વધારો થાય છે. તેની ગુણવતામાં સુધારો, વિજળીમાં બચત, સમયની બચત તેમજ ડીલેવરી શેડયુલમાં સુધારો સહિતના અનેક ફાયદાઓ થાય છે. આ ઉપરાંત ભાગ લેનાર એકમોના નફામાં પણ વધારો થાય છે.
વધુમાં વિમલભાઈ મોણપરાએ જણાવ્યું છે કે, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન ઉદ્યોગોના વિકાસ માટે સતત કાર્યરત છે. ઉદ્યોગ જગતના પ્રશ્ર્નોનું નિરાકરણ તાત્કાલીક આવે તે માટે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન અનેક કામગીરી કરે છે ત્યારે એમએસએમઈ મંત્રાલય દ્વારા અમલી બનાવેલ લીન મેન્યુફેકચરીંગ કલસ્ટર સ્કીમના અમલમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
વધુમાં તેઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેકટ માટે એનપીસી તથા કયુસીઆઈ નામની એજન્સી સરકાર અને ઔદ્યોગીક એકમોને જોડતી કડી છે. જે તે ક્ષેત્રના 6 થી 10 યુનીટ એકમની સંખ્યા સાથે કલસ્ટર બને છે. તેમજ જે તે સેગમેન્ટવાઈઝ કલસ્ટર અલગ અલગ હોય છે. કલસ્ટર ડેવલપમેન્ટ થયા પછી સરકારના નિયમ મુજબ એક બીડ મગાવવામાં આવે છે. જેમાં 70 ટકા ટેકનીકલ અને 30 ટકા કોમર્શિયલ હિસ્સો હોય છે અને જે પ્રમાણે માર્કસ આવે એ પ્રમાણે પસંદગી થાય છે. એટલું જ નહીં આ કલસ્ટરની રચનામાં દરેક ફેસવાઈસ ઓડીટ હોય છે. ત્યાર બાદ પેમેન્ટ થાય છે. આનાથી ફાયદો એ થાય છે કે, દરેક વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાઈ રહે છે. એસો. દ્વારા રજૂ થયેલ લીન કલસ્ટરને સરકાર દ્વારા મંજુરી મળી છે અને સમગ્ર રાજ્યમાં રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન આ પ્રકાર કલસ્ટરની અમલવારીમાં પ્રથમ ક્રમે છે.

print

Comments

comments

VOTING POLL