Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
Good Morning 25/08/2011 (Nyê$hpf)
 

અન્નાની ક્રાંતિ કયાં જઈને અટકશે ?

 
જયપ્રકાશ માઢક
 
 

ઈલેકટેડ મીન્સ ચૂઝન બાય પીપલ–સિલેકટેડ બાય પીપલ ! અને આજે અન્ના અને તેનું જનલોકપાલ બિલ જ લોકોની ચોઈસ અને સિલેકશન છે !

અન્નાની તબિયત લથડતી જાય છે. ૭૪ વર્ષનો એક બુઝુર્ગ માણસ ખાધાપીધા વિના ભ્રષ્ટ્રાચાર રૂપી રાક્ષસ સામે એકલપંડે લડી રહ્યો છે. તેને પ્રજા માટે ભ્રષ્ટ્રાચાર સામે લડતાં જોઉં છું ત્યારે ગાયોના ધણને વાળી જતાં બહારવટીયાઓ સાથે એકલે હાથે લડી રહેલા કોઈ વીર કાઠી–ગરાસિયાની મેઘાણીની લોકકથાની યાદ આવી જાય છે.
છેલ્લા કેટલાયે વખતથી દેશમાં ભ્રષ્ટ્રાચારે આટઆટલી માઝા મુકી છે છતાં ૧૨૦ કરોડના આ દેશમાં ભ્રષ્ટ્રાચાર સામે સામી છાતીએ લડનારો આ એક જ વીરલો નીકળ્યો છે જે માટે તે લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. તેનો અવાજ નબળો પડી ગયો છે, વજન ઘટી ગયું છે, દાઢી વધી ગઈ છે, આંખો ઉંડી ઉતરી ગઈ છે છતાં એ આંખોના ઉંડાણમાં હજુ નૈતિકતાની ખુમારીની ચમક દેખાઈ રહી છે. આજના ઘોર કળિયુગમાં સતયુગનો હોય એવો એક માણસ, કે આપણે જેને ભગવાનનો માણસ કહીએ છીએ તેવો એક વૃધ્ધ માણસ પોતાના જીવનના ઉચ્ચ આદર્શેા માટે પોતાના જીવનને જ હોડમાં મુકી રહ્યો છે એ દ્રશ્ય આજના યુગમાં દુર્લભ છે અને ભવિષ્યમાં બહુ ઓછું જોવા મળવાનું છે. એક વૃધ્ધ માણસનું હૃદય ભૂખ અને અશકિતને લીધે કયારે બધં પડી જાય તે નકકી નથી ત્યારે સરકાર સર્વદલીય બેઠકમાં વ્યસ્ત છે. સંસદીય પ્રક્રિયાઓ પુરી કરવાની વાતો કરી રહી છે.
ભલે અન્ના જીદ પકડીને બેઠા છે તે સાચું હોય અને તેમની કેટલીક વાતો ગળે ઉતરે એવી ન હોય છતાં તેમના લય બાબતે દેશમાં કોઈને શંકા નથી. સરકાર બદલવી એ તેમનો મકસદ નથી એ તેઓ કહી ચૂકયા છે અને ભાજપ પ્રત્યે તેઓ તેમની સુગ પ્રગટ કરી ચૂકયા છે. એપ્રિલમાં જયારે તેઓ ઉપવાસ પર બેઠા હતા ત્યારે તેમના સમર્થકો ઉમાભારતીનો હુરીયો બોલાવી ચૂકયા છે અને અડવાણીનો માનભગં કરી ચૂકયા છે. તેઓ ગુજરાતમાં આવીને નરેન્દ્ર મોદીના શાસનની કટુ આલોચના કરી ચૂકયા છે છતાં મોદી અને અડવાણી અન્નાને ટેકો આપી રહ્યા છે એ તેમની કૂટનીતિ સિવાય બીજુ કશું જ નથી.
એપ્રિલમાં અન્ના ઉપવાસ પર ઉતર્યા ત્યારે વગર નિમંત્રણે અન્નાની છાવણીની મુલાકાતે પહોંચી ગયેલા કેટલાક રાજકારણીઓનું અન્ના સમર્થકોએ અપમાન કયુ ત્યારે અડવાણીએ તેમના બ્લોગમાં લખ્યું હતું કે, બધા રાજકારણીઓ એકસરખા નથી હોતા. સૌને એક સરખા ગણી તેમને ધિકકારવા એ સંસદીય લોકશાહી પધ્ધતિનું અપમાન છે. આમ કમસેકમ ભાજપ તો અન્નાની પાછળ નથી. આરએસએસ વિષે જો કે હું એવું ખાતરીપૂર્વક કહી શકતો નથી પરંતુ દેશ પર ભયંકર રીતે જેણે પોતાની નાગચૂડ કસી છે તેવા ભ્રષ્ટ્રાચારના ભોરીંગને જેર કરવા અને ભ્રષ્ટ્રાચાર સામે પોતાનો તીવ્ર આક્રોશ જતાવવા માટે જે માણસે નવ–નવ દિવસથી અન્નનો દાણો પોતાના મુખમાં મુકયો નથી જેને લીધે તે માણસ સાવ થાકેલો, માંદો અને અશકત થઈ ગયો છે ત્યારે સર્વદલીય બેઠકમાં રાઉન્ડ ટેબલની આજુબાજુ બેઠેલા મંત્રીઓ બિસ્કુટ ખાઈ રહ્યા હતા એ દ્રશ્ય કેટલું જુગુપ્સા પ્રેરક અને વરવું લાગતું હતું ! એ દ્રશ્ય જેમણે પણ ટીવીના પર્દે જોયું તે બધાને રાજકારણીઓની નાત ઉપર ખીજ તો ચઢી જ હતી પરંતુ સાથે ચીતરી પણ ચઢી હતી. કરોડો લોકોએ જોયું કે, નેતાઓ કેટલી જાડી ચામડીના હોય છે. આવી વર્તણૂકો રાજનેતાઓ કે તેના પક્ષને ભયંકર નુકસાન કરી શકે છે.
સર્વદલીય પક્ષોની બેઠક પછી સૌ કોઈ નેતાઓ અન્નાને આરામ કરવા અને અનશન છોડી દેવા કહી રહ્યા છે પરંતુ કોઈએ પણ મજબૂત લોકપાલ બિલ અભીહાલ પસાર કરો તેવું કહ્યું નહીં ! વાતો દીવા જેવી ચોકખી છે છતાં સરકાર બીજા સંગઠનોને પૂછવામાં તેનો સમય વિતાવી રહી છે તો મુંબઈના સાંસદ મુરલી દેવરાએ કહ્યું કે, કાલ સવારે હું સાંસદ હોઉં કે ન હોઉં મારો પક્ષ સત્તા પર હોય કે ન હોય, સંસદ મજબૂત લોકપાલ બિલ લાવીને જ રહેશે ! પરંતુ તેને જરૂરી ચર્ચા વિચારણા કરીને લાવવું જોઈએ. લ્યો કરો વાત ! અહીં અન્ના મરવા પડયા છે અને મુરલી દેવરા એવી મોરલી વગાડે છે કે, કોંગ્રેસ સત્તા ઉપર નહીં હોય ત્યારે પણ લોકપાલ બિલ આવી શકે છે ! ભાઈ મુરલી ! મોરલી વગાડીને પબ્લિકને નચાવવાનું બધં કરો તો સારું ! તમારી બહુમતિ છે ત્યારે તમે સંસદમાં લોકપાલ બિલ લાવતા નથી તો તમે સાંસદ ન હો ત્યારે કયો ભોજયોભાઈ સંસદમાં લોકપાલ બિલ લાવવાનો હતો. અન્ના ભાવનાઓથી લડી રહ્યા છે જયારે સરકાર અને રાજકીય પક્ષો સંપીને જ્ઞાનતંતુનું યુધ્ધ લડી રહ્યા છે. તેમના ચાવવાના અને દેખાડવાના જુદા છે. સરકાર કહી રહી છે કે, અમે ચર્ચા કરીને, બીજાને પૂછીને મજબૂત લોકપાલ બિલ મુકી દઈશું, તમે અનશન છોડી દો. તમારી તબિયત સાચવો. પણ જેઓ એક વખત બોલીને ફરી ગયા તેમના ઉપર હવે અન્ના વિશ્ર્વાસ કેવી રીતે કરે ? હા જો સરકાર ઝડપથી મજબૂત લોકપાલ બિલ સંસદમાં મુકી દે તો અન્ના ઉપવાસ છોડવા માટે તૈયાર છે, પછી ભલે તે બિલ સંસદમાં પસાર ન પણ થાય. અન્નાને એ બાબત વાંધો નથી પણ તેમનો આગ્રહ એ છે કે, સરકારે તેની ફરજ પુરી કરવી જોઈએ.
અન્ના પણ દેખાય છે તેવા ભોળા નથી. તેમણે તડકામાં માથાના વાળ સફેદ નથી કર્યા. અન્ના કે તેમની પાછળ રહેલા કોઈ અજ્ઞાત લોકો સારી રીતે જાણે છે કે, એક વખત સરકાર સંસદમાં બિલ મુકી દે તો પછી ઝખ્ખ મારીને સરકારે તેને પાસ કરાવવું જ પડે નહીંતર સાબિત એવું થાય કે વર્તમાન સરકાર બહુમતિમાં નથી અને આમ થાય એટલે સરકારે જવું પડે એટલે જ સરકાર સો ગળણેથી પાણી ગાળી રહી છે. હવે કોંગ્રેસ વધુ વિલબં કરશે તો અન્ના અને તેના સાથીદારો એમ પણ કહી શકે છે કે, મજબૂત લોકપાલ બિલનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યા છતાં સરકાર એ બિલ સંસદમાં મુકવામાં જાણી જોઈને વિલબં એટલા માટે કરી રહી છે કે, સરકારને સંસદમાં તેની બહુમતિની ખાતરી નથી !
જોકે સરકાર સંસદીય પ્રક્રિયાને બહાને બિલ મૂકવામાં વિલબં કરી રહી છે. બધી જ પ્રક્રિયા સંસદીય પ્રણાલી અને બંધારણ મુજબ જ થાય તેમ સરકારનું કહેવું છે અને એક રીતે જોઈએ તો વાત પણ ખરી છે કારણ કે જો સંસદીય પ્રણાલીઓ અને બંધારણને જ બાજુ ઉપર મુકીને ભ્રષ્ટ્રાચાર દૂર કરવાનો હોય તે એ કામ આ સરકાર પણ કટોકટી જેવી બિનસંસદીય પધ્ધતિઓ અપનાવીને કરી શકે છે. પરંતુ સરકાર સંસદીય પધ્ધતિની મર્યાદામાં આમ જનતાને માત્ર ભ્રષ્ટ્રાચાર દૂર કરવામાં રસ છે. તેમને બીજી લપછપમાં કોઈ રસ પણ નથી અને ઝાઝી ગતાગમ પણ નથી. તેઓ તો સંસદને ઘેરવા પણ તૈયાર છે.
અહીં મને મહાભારતનો કર્ણવધનો પ્રસગં યાદ આવે છે. કર્ણના રથનું પૈડું જયારે જમીનમાં ખુંપી ગયું અને કર્ણ પાસે કોઈ હથિયાર પણ રહ્યું ન હતું ત્યારે અર્જુને તેનો વધ કરવા તેની સામે બાણ તાકયું ત્યારે કર્ણએ યુધ્ધનીતિની મર્યાદા બતાવતાં અજુર્નને કહ્યું હતું કે શક્રહિન યોધ્ધા પર વાર કરવો ન જોઈએ. ત્યારે અર્જુન વળતો જવાબ આપતાં કર્ણને કહ્યું કે એકલા અભિમન્યુએ જયારે તમે સાત સાત મહારથી યોધ્ધાએ ભેગા થઈને માર્યેા ત્યારે તમારી મર્યાદા કયાં ગઈ હતી ?
એ જ રીતે જયારે સાંસદોએ અબજો રૂપિયાના ભ્રષ્ટ્રાચાર કર્યા ત્યારે સંસદની મર્યાદા કયાં ગઈ હતી ? એ મંત્રીઓ સંસદમાં જ ચૂંટાએલા હતા ને ? અને અત્યારે સંસદીય પ્રણાલીઓ અને તેની મર્યાદાની વાત થાય છે.
પણ અન્નાએ તેમની તબિયતનું ધ્યાન રાખવુ જોઈએ. ડોકટરો કહે છે કે તેમની કીડની ઉપર પણ અસર થઈ શકે છે. રાજકારણીઓના દાવપેચનો જલ્દી અતં આવે તેમ માનવું ભુલ ભરેલું સિધ્ધ થઈ શકે છે અને તબિયત વધુ બગડી શકે છે. જે.પી.ની કીડની જેલમાં જ ખરાબ થઈ ગઈ હતી ને ?
આ રાજકારણીઓની નાતનો ભરોસો કરવા જેવું નથી. સાવધાન ! ભાજપ વગેરે વિપક્ષોને પાત્ર સરકાર તોડવા પૂરતો જ રસ હોઈ શકે છે. આ પોલીટીશ્યનો તો એવા હોય છે કે યુપીએ સરકાર તૂટે, પછી ચૂંટણી થાય તેમાં પણ અન્નાને સાથે રાખે પણ જેવી ચૂંપણી પતી જાય કે પછી અન્નાને પણ બાજુ પર હડસેલી દે ! યાદ છે ને જયપ્રકાશ નારાયણને મોરારજી દેસાઈએ શું કહ્યું હતું ? જેપીના ઐતિહાસિક આંદોલન પછી જનતા મોરચો સત્તામાં આવ્યા પછી જે.પી.એ કંઈક સૂચન કરતાં મોરારજી દેસાઈએ જયપ્રકાશને કહી દીધેલું કે જેપીએ કઈં સરકાર નથી !
સ્વભાવિક છેકે નેતાઓને તેમના ગરાસ જાય તેમાં રસ ન જ હોય. તેમને તો માત્ર તેમના વિરોધ પક્ષની સરકાર તૂટે એટલા પૂરતો જ રસ હોય.
વળી ભાજપ આ સમગ્ર ઘટનાક્રમથી એક યુકિતપૂર્વકનું અને સલામત અંતર રાખી રહેલ છે તે એટલા માટે કે સરકાર જાય તેમાં તો તેને રસ છે પણ કાલ સવારે અન્ના સૂચવે છે તેવું કોઈ લોકપાલ બિલ પસાર કરવામાં તેમને કોઈભાગ ભજવવાનો આવે અને તેમને એ ભાગ ભજવવો ન હોય તો અમે નથી રમતા એમ કહીને પાંચીકા ફેંકી શકે !
સમગ્ર મામલે શરૂઆતથી જ ભાજપ જવાબદારીથી છટકી રહ્યું છે. સુષ્માએ કહ્યું હતું કે સરકાર વિપક્ષી નેતાઓને કમિટીમાં જ ન રાખ્યા અને સિવિલ સોસાયટી અને અન્ના સાથે બધી જ વાત સરકારે જ કરી છે. તો અડવાણી વળી સતત એવી રેકર્ડ વગાડીને કિનારો કરી રહ્યાં છે કે અમને તો કઈં પૂછયું જ નથી એટલે લડાઈ તો સરકાર વિરૂધ્ધ અન્નાજી થઈ ! જોકે અન્નાની લડાઈ જરા વધુ ખેંચાઈ ગઈ છે. સત્તાધારીઓ પણ ધાર્યા કરતાં વિલબં કરી રહ્યાં છે. સૌકોઈ શું થશે તેની અવઢવમાં છે. અન્નાની મુખ્ય ત્રણ શરતો હજુ માન્ય કરાઈ નથી. લોકો ઘણાં અન્ના સાથે હોય તેમ જણાય છે પરંતુ સરકાર ઉપર ધાર્યેા દબાવ આવતો નથી. તેના કારણો શું ? મને લાગે છે કે તેનું એક કારણ એ છે કે આ આંદોલન મીડિયા પ્રેરીત હોય તેવું લાગે છે. ટીવી ચેનલો ગોધરાના હુલ્લડો વખતે પણ એના એ જુના દ્રશ્યો દર્શાવ્યા કરતી હતી. આ વખતે પણ કેટલાક દ્રશ્યો વારંવાર દર્શાવીને આખા દેશમાં ક્રાંતિની આગ ભડકી હોય તેવી છાપ ચેનલો ઉભી કરતી હતી પરંતુ ગામડાઓમાં અને નાના શહેરોમાં (ટાઉન્સમાં) તો આ આંદોલનનો કોઈ ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી. ગાંધીવાદી રઝી એહમદ પણ આ જ કહે છે કે જે.પી.ના આંદોલન વખતે જનઉભાર હતો. આમાં મીડિયા પાછળ છે, આ સીધી ભુખને લીધે થયેલી ક્રાંતિ નથી. સૌને ખાવા મળે છે. ટીવીમાં જ લોકો દેખાતા હતા તે ખાધે પીધે સુખી જણાતા હતાં. કોઈ ગરીબ–ભીખારી ન હતાં. કોઈના મોઢા ઉપર ગંભીરતા ન હતી. ઈન્દૌરમાં તો કોલેજની છોકરીઓ ડાન્સ કરતી હતી. દેખાવો વખતે કેટલાક લોકો હસતાં જોવા મળ્યા હતાં.
એક ચેલનો ખબરપત્રી કહી રહ્યો હતો કે 'એક અન્ના જેલ જાયેગા તો હજારો અન્ના પૈદા હો જાયેંગે' આ ફિલ્મી ડાયલોગ જેવું લાગતુ હતંુ. વળી તે આગળ કહેતો હતો કે 'વહી યે હજારો અન્ના હૈ આપ ઈસ છોટી બચ્ચી કો દેખે, મૌમ બત્તીકો દેખે..વગેરે વગેરે... હવે છોટી બચ્ચીને આંદોલનમાં શું ખબર પડે ?
એક ત્રણેક વર્ષની છોકરીને તેની મમ્મીએ તેડી હતી અને પત્રકાર તેને પૂછી રહ્યો હતો કે બેટી ! આપ યહા કયૂં આયી હૈ ? તો છોકરીએ જવાબ આપ્યો કે 'ભારત માતા કે લીયે' હવે આવડી છોકરીને શું ખબર પડે ? સ્વાભાવિક છે કે એ તેની માતાએ શીખવાડયું હતંુ.
ફિલ્મી સીતારાઓ પણ રામલીલા મેદાનની મુલાકાતો લેવા લાગ્યા હતાં જેની સમાચાર માધ્યમો ખુબ જ નોંધ લેતાં હતાં. અત્યાર સુધી ફિલ્મી સીતારાઓ વિવિધ પક્ષોની પ્રચાર સભાઓ કરવા જતાં હતાં કે જે પક્ષો અન્નાના જનલોકપાલ બિલમાં રોડા અટકાવી રહ્યાં છે. હવે તેઓ અન્નાની પાસે આવે છે !
હમણાં બીબીસીને કોઈએ પત્ર લખ્યો. પત્રમાં બીબીસીને ઠપકો આપતાં લખ્યું કે તમારી પાસે શું હવે કોઈ બીજા મહાનુભાવો બચ્યા નથી કે વારંવાર ફિલ્મી એકટરોને સ્ટુડિયોમાં બોલાવીને તેમના ઈન્ટરવ્યુ લો છો ? બીબીસીએ હવેથી આવું નહીં થાય એમ કહ્યું !
ફિલ્મી સીતારાઓ પણ દેશભકત હોઈ શકે છે. તેમાં ના નહીં પરંતુ આવા આંદોલનને ગ્લેમર સાથે જોડવું વ્યાજબી નથી. આ તો અન્નાની વહેતી ગંગા છે જેમાં સૌ કોઈ પાપ ધોવા (પોતાને નૈતિક પૂરવાર કરવા)આવી રહ્યાં છે. તેમનામાંથી કોઈ નૈતિક તાકાત આંદોલનને મળે તેવું હું માનતો નથી. અન્નાની સાથે ફેઈસબુકવાળા લોકો વધારે છે એ વાતમાં તથ્ય છે. જોકે તેઓ શિક્ષિત છે પરંતુ ક્રાંતિને ગાવ–ગાવ સુધી લઈ ગયા વિના સફળ કરવી અધરી છે. અત્યારે ગામડે ગામડે ધારાસભ્યો અને સંસદ સભ્યો કોઈપણ ખૌફ વિના ટેસથી તેમના ગામોમાં આંટા મારે છે. સૌ સાથે હળેભળે છે. તેમને તો કોઈ કઈં નથી કહેતું ! ગામે ગામ સાંસદોનો ઘેરાવ થઈ રહ્યો નથી. આ ક્રાંતિ માત્ર દિલ્હી, મુંબઈ જેવા મેટ્રોસીટીમાં અને ઈન્ડિયાગેટ જેવા સ્થળોએ દેખાઈ રહી છે. ગામે ગામની ગલીઓમાં દેખાતી નથી. 'આજતક'નો એક ખબરપત્રી એક દ્રશ્ય દેખાડતાં દેખાડતાં કહી રહ્યો હતો કે 'ઈન્ડિયા ગેટ પર એક અદભૂત નઝારા–ખુબસૂરત નઝારા દેખને કો મિલ રહા હૈ !' સુખી માણસો ઈન્ડિયાગેટ ઉપર શું થઈ રહ્યું છે તે જોવા આવે છે.
છતાં અન્નાને ઘણો સહકાર મળ્યો છે તે હકીકત છે. અન્ના પ્રધાનમંત્રી, સાંસદો તેમજ ન્યાયાધિશોને પણ લોકપાલની હકુમતના દાયરામાં ઈચ્છે છે.પ્રધાનમંત્રી અમુક શરતોને આધીન લોકપાલના દાયરામાં આવવા તૈયાર થયા છે પણ સાંસદો અને જયુડિશિયલની બાબતમાં સહમતિ સધાઈ નથી. રાજકર્તાઓ કહી રહ્યાં છે કે આમ કરવામાં અડચણ એ છે કે ચૂંટાયા વિના કોઈ શાસન કેવી રીતે કરી શકે ?
પરંતુ મને કહેવા દો કે આર્યેાની વૈદિક રાય વ્યવસ્થામાં શાસકે ચૂંટાવું જરૂરી ન હતંુ. કયારેક તો એવું થતું કે ઋષિઓ કહે તે રાજા બની જતો જેમ કે એક વખત પૃથ્વી ઉપર જયારે ભારે અરાજકતા અને અંધાધૂંધી ફેલાયા હતા ત્યારે ઋષિઓએ પૃથુને રાજા બનાવ્યો હતો.
આ હાઉ કેન એનીબડી રૂલ હું ઈઝ નોટ ઈલેકટેડ એમ જે પૂછવામાં આવે છે તે 'ઈલેકટેડ'નો શબ્દકોષીય અર્થ શું છે ? ઈલેકટેડ મીન્સ ચુઝન બાય પીપલ ઓર સિલેકટેડ બાય પીપલ ! અને આજે અન્ના અને તેનું જનલોકપાલ બિલ જ લોકોની ચોઈસ અને સિલેકશન છે. એ માટે સંસદમાં જવાની જરૂર નથી. સંસદમાં હાલમાં વિરાજતાં લોકપ્રતિનિધિઓએ પણ લોકોની ચોઈસ તથા સિલેકશન જાણી લેવા જોઈએ !
પણ મુખ્ય પ્રશ્ન એ છેકે શું કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, કિરણબેદી અને સ્વામી અિવેશ એ બધા ઋષિઓ છે ? અિવેશના અમરનાથ યાત્રા વિષેના વિધાનો ખાસ્સા વિવાદમાં આવ્યા હતા તે યાદ હશે. પ્રશાંત ભુષણ વિષે હું અહીં વાત કરતો નથી. કિરણ બેદી પોલીસ ખાતામાં નોકરી કરતાં ત્યારે આ જ કોંગ્રેસ તેમને બહુ માનપાન આપેલાં !
વળી પ્રશ્ન એ પણ છે કે શું લોકપાલ પૃથુ બની શકે ખરો ? કે પછી એ પણ એક ડઝન સભ્યોની સમિતિમાં ગૂંચવાઈ જશે ? વળી ઉધ્ધવ ઠાકર કહે છે તેમ લોકપાલ દર્દ તો નહીં બની જાય ને ? તેના ઉપર કોનું નિયંત્રણ રહેશે ? લોકપાલ ભ્રષ્ટ્રાચારી નહીં નિવડે તેની ખાતરી શું ?
જો આ બધા પ્રશ્નો ઉપર ધ્યાન આપીએ તો આપણે ઠેરના ઠેર રહીશું એમ લાગે છે અને અન્ના પ્રેરીત આ મુવમેન્ટ ભવિષ્યમાં માત્ર સત્તા પરિવર્તન માટેની જ મુવમેન્ટ બની રહેશે તેવું લાગે છે. આમ લાગવું જરાયે વધારે પડતું નથી કારણ કે ભૂતકાળમાં પણ આઝાદી પછી અનેક વખત આવી ક્રાંતિ થઈ છે જે માત્ર સત્તાપરિવર્તન પુરતી જ સિમિત બનીને રહી ગઈ છે.
બિહારમાં જયપ્રકાશ નારાયણે બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર, કુશિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈને આંદોલન કરેલું અને ત્યારે અત્યાર જેવું મીડિયા પણ ન હતું છતાં તે આંદોલન મોટાપાયે થયું હતંુ. પણ પરિણામ ? આજે પણ બિહારમાં બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર, કુશિક્ષણ અને મોંઘવારી મૌજુદ છે. અપહરણોનો ધંધો વિકસ્યો તે જુદો !
કટોકટી સામે જયપ્રકાશના ક્રાંતિકારી આંદોલન પછી જનતા મોરચાની સરકાર આવી હતી પણ તે પછી પણ ભ્રષ્ટ્રાચાર દૂર થયો ન હતો. મોરચા સરકારના ડખ્ખાએ લોકોને નિરાશ કર્યા હતાં.
નવનિર્માણ આંદોલન પણ માત્ર સત્તા પરિવર્તન બનીને રહી ગયું હતંુ. રાજીવ સામે બોફોર્સમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે આંદોલન કરી વી.પી.સિંહ મીસ્ટર કલીનની ઈમેજ સાથે સત્તા ઉપર આવ્યા હતાં પણ પછી ભ્રષ્ટ્રાચાર ગયો ન હતો. ઉલ્ટાનું મંડલનો રાક્ષસ જાગ્યો હતો.
નરસિંહ રાવના વખતમાં પણ સાંસદોની ખરીદીનું કૌભાંડ ચગેલું. પછી વાજપેયી આવ્યાં. તેમાં પણ ભ્રષ્ટ્રાચાર ન ગયો લોકોએ દરેક વખતે ક્રાંતિ લાવવામાં લીડરોને મદદ કરી છે અને સાથ આપ્યો છે પરંતુ દરેક ક્રાંતિ માત્ર સત્તા પરિવર્તન પૂરતી જ સિમિત રહી ગઈ છે અને સત્તા ઉપર આવ્યા પછી કોઈએ કઈં ઉકાળ્યું નથી ! મને, તમને, સૌને ભય છે કે અન્નાની આ ક્રાંતિ પણ વધી વધીને કોઈ સત્તા પરિવર્તન પુરતી સિમિત ન રહી જાય અને આપણે ઈચ્છીએ કે આ વખતે દેશમાંથી ખરેખર ભ્રષ્ટ્રાચાર જડમૂળમાંથી ઉખડીને ફેંકાઈ જાય. ઈશ્ર્વર સૌને શકિત અને અદબુધ્ધિ આપે. જો કે આ ક્રાંતિ નિષ્ફળ નહીં જાય. હુ માનું છું કે આ ક્રાંતિથી વૈદિક રાય વ્યવસ્થાની ભૂમિકા બંધાઈ રહી છે હું કેટલો સાચો છું તે સમય બતાવશે

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.