Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
 
૦૯/૧૨/૨૦૧૧ (શુક્રવાર)
 

અંતે મોટા માથા નીચે રેલો...

 
 
 
દેશની તિજોરીને ૧,૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડનારા ટુ–જી સ્પેકટ્રમ કૌભાંડમાં કોઈ મોટા માથાના પગ નીચે રેલો આવશે તેવી અગાઉ થયેલી અટકળો અંતે સાચી પડી છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે જનતા પક્ષના સુબ્રમણ્યમ સ્વામીની હાલના કેન્દ્રના ગૃહમંત્રી પી.ચિદમ્બરમને આ કૌભાંડમાં સહઆરોપી બનાવવા માટે કરેલી અરજીનો અંશત: સ્વીકાર કરીને આ અટકળોને સાચી ઠેરવી છે. મનમોહનસિંઘ અને સોનિયા ગાંધીના અત્યતં વિશ્ર્વાસુ એવા પી.ચિદમ્બરમની ટુ–જી સ્પેકટ્રમ કૌભાંડમાં રહેલી ભૂમિકાને હવે બારીકાઈથી ચકાસવામાં આવશે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર માટે પણ મુંઝવણભરી સ્થિતિ ઉભી થઈ છે.
આ જ કેસમાં અગાઉ ટેલિકોમ મંત્રી એ.રાજા તેમજ સંસદસભ્ય કનીમોઝી સહિતના અનેક માથાઓ જેલની હવા ખાઈ ચૂકયા છે પરંતુ હવે જયારે પી.ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની દિશામાં કાર્યવાહી આગળ વધી છે ત્યારે આવનારા દિવસો સરકાર માટે અને ખુદ પી.ચિદમ્બરમ માટે કટોકટીભર્યા હશે તેવું કહીએ તો તેમાં અતિશયોકિત નથી.
જયારે જુદી જુદી ટેલિકોમ કંપનીઓને સ્પેકટ્રમની ફાળવણી કરવામાં આવી તે સમયે થયેલી ગેરરીતિઓથી ખુદ પી.ચિદમ્બરમ માહિતગાર હતાં તેવો ખુલાસો આ કેસમાં મહત્વના આરોપી એ.રાજાએ પણ વારંવાર કરેલો છે. એ.રાજાના ખુલાસા પછી જ જનતા પક્ષના સુબ્રમણ્યમ સ્વામી પી.ચિદમ્બરમની પાછળ આદુ ખાઈને પડી ગયાં હતાં અને તેમણે ટેલિકોમ વિભાગના જુદા જુદા અધિકારીઓ અને ખાનગી ટેલિકોમ કંપનીના અધિકારીઓના કેટલાક પત્ર વ્યવહારના આધારે કોર્ટમાં પી.ચિદમ્બરમને આ કૌભાંડના સહઆરોપી બનાવવા અરજી કરી હતી.
એક ડઝનથી વધુ વખત મુદત પડયા બાદ અંતે ગઈકાલે પતિયાલા હાઉસ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજીનો એક રીતે જોવા જઈએ તો સ્વીકાર કરીને તેમને જ નિવેદન આપવા માટે ૧૭મી તારીખે અદાલતમાં બોલાવ્યા છે. આ ઉપરાંત કોર્ટે સાક્ષીને પણ હાજર કરવા અને તેમના નિવેદન નોંધવાની પણ છૂટ આપી છે ત્યારે સ્વાભાવિક છે કે ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી છે.
એફડીઆઈના મુદ્દે સંસદ સમરાંગણ બન્યા બાદ એવી આશા સેવાતી હતી કે સંસદની કાર્યવાહી હવે રાબેતા મુજબ ચાલશે પરંતુ ગઈકાલે પતિયાલા હાઉસ કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કરતાં વિપક્ષને ફરી એક વખત સરકારને ભીંસમાં લેવાની તક મળી ગઈ હતી અને ચિદમ્બરમના રાજીનામાની માગણી સાથે સંસદને માથે લીધી હતી. જેમ રોજ બની રહ્યું છે તેમ બે થી ત્રણ વખત લોકસભા અને રાજયસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ અંતે મોંઘવારીના મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.
અહીં વાચકોને એ પણ યાદ અપાવવું જરૂરી છે કે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા જ એનડીએ દ્રારા વર્તમાન સત્રમાં પી.ચિદમ્બરમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે ગઈકાલના કોર્ટના ચુકાદા પછી પણ ચાલુ જ રહ્યો છે.
હવે જોવાનું એ રહે છે કે ટુ–જી કૌભાંડમાં આરોપોનો ગાળિયો ચિદમ્બરમના ગળામાં કેટલો અને કેવી રીતે ફસાય છે ? જેમ એ.રાજા અને કનીમોઝી જેવા નેતાઓને જેલના સળિયા ગણવા પડયા છે તેવી રીતે શું ભવિષ્યમાં પી.ચિદમ્બરમને પણ સળિયા ગણવા પડશે તેવી ચર્ચા રાજકીય તખતા પર આજે થવા લાગી છે. ન કરે નારાયણ અને અદાલતનો ચુકાદો જો સુબ્રમણ્યમ સ્વામીની તરફેણમાં આવશે તો તે વર્તમાન સરકાર માટે મોટામાં મોટો વજ્રઘાત હશે તેમ કહી શકાય. ટુ–જી કૌભાંડમાં ચિદમ્બરમની સંડોવણી છે કે કેમ ? તે નકકી કરવાનું કામ અદાલતનું છે પરંતુ લોકોની અદાલતમાં તો યુપીએ સરકારના ઘણા બધા મોટા માથાઓ આરોપી સાબિત થઈ ચૂકયા છે.
Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.