પાંચ મહિના પછી ફરી ફરીને એ જ મુદ્દો, એ જ અનશન, એ જ સરકાર અને એ જ અન્ના હજારે. સમય ઝડપથી ચાલ્યો જાય છે પરંતુ આપણા દેશમાં પ્રશ્નો કયારેય ઉકેલાતા હોય તેવું લાગતું નથી. અન્ના હજારે અને ભ્રષ્ટ્રાચારના મામલે તેમણે શરૂ કરેલા આંદોલનનો એક નવો અધ્યાય આજથી શરૂ થઈ રહ્યો છે. અન્ના હજારેની ભ્રષ્ટ્રાચાર સામેની લડત ઘણા સમયથી ચાલી રહી છે. છેલ્લે તેમણે ઓગષ્ટ્ર મહિનામાં ૧૨ દિવસના અનશન કરીને કેન્દ્ર સરકારને થોડી હચમચાવી દીધી હતી અને તે સમયે અન્નાએ ચીમકી આપી હતી કે જો અમારી માગણી મુજબનું જનલોકપાલ બીલ સંસદમાં મંજૂર નહીં થાય તો હું ફરીથી આંદોલન કરીશ. અન્ના હજારેની આ ચીમકીની દરકાર કર્યા વગર કેન્દ્ર સરકારે લોકપાલ બીલ સંસદમાં રજૂ કરીને અન્નાને ફરી અનશન પર ઉતરવા મજબુર કર્યા છે અને આજથી તેઓ મુંબઈમાં ત્રણ દિવસના અનશન પર ઉતર્યા છે.
આ વખતના અન્ના હજારે અને તેમની ટીમના અનશનને લઈને પણ ઘણી અનિિતતાઓ છેલ્લી ઘડી સુધી રહી છે. પહેલા ટીમ અન્નાએ દિલ્હીના રામલીલા મેદાન માટે અરજી કરી હતી પરંતુ દિલ્હીની કડકડતી ઠંડી અને અન્ના હજારેનું નરમ સ્વાસ્થ્ય જોતાં તેમણે દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરવાની જાહેરાત કરી હતી. મુંબઈમાં અનશન માટે મેદાન મેળવવા માટે તેમને પરસેવો પડી ગયો હતો પરંતુ અંતે મુંબઈમાં તેમને ત્રણ દિવસ માટે અનશન કરવાની મંજૂરી મળી છે.
યુપીએ સરકારે રજૂ કરેલા લોકપાલ બીલથી નારાજ અન્ના હજારેએ મુંબઈના અનશન પુરા થાય પછી દિલ્હીમાં સોનિયા ગાંધીના ૧૦ જનપથ ખાતે આવેલા નિવાસસ્થાનની બહાર અનશન કરવાની જાહેરાત કરી છે. ટીમ અન્નાના કાર્યકરો તો અન્નાની સાથે જ આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન પર ઉતર્યા છે. જો કે રામલીલા મેદાનમાં શરૂ થયેલા અનશન વરરાજા વગરની જાન જેવા લાગી રહ્યા છે અને આ પરિસ્થિતિ સમજી રહેલા અન્ના હજારેએ ત્રણ દિવસમાં જ દિલ્હી પહોંચીને અનશન કરવાની જાહેરાત કરી દીધી છે.
દિલ્હી અને મુંબઈના અન્ના તેમજ તેમની ટીમના અનશનને કારણે દેખીતી રીતે યુપીએ સરકાર આ વખતે ડગી નથી પરંતુ અંદરખાને તેમને પણ જન જાગૃતિનો ભય લાગી રહ્યો હોય તેવું જણાઈ આવે છે. અન્ના હજારે સરકાર પર દબાણ લાવવા માટે જાન્યુઆરીમાં દેશભરમાં જેલભરો આંદોલન કરવાની જે જાહેરાત કરી છે તે પણ સરકાર માટે મુશ્કેલી ઉભી કરે તેવી છે. જેલભરો આંદોલન માટે સમર્થન મેળવવા અન્ના હજારેએ જે વેબસાઈટ શરૂ કરી છે તેના ઉપર પણ ગઈકાલ સુધીમાં ૧ લાખથી વધુ રજીસ્ટ્રેશન મળી ગયા છે. જો આ મુજબ જેલભરો આંદોલન સફળ થશે તો સરકાર માટે મુશ્કેલીનો એક નવો અધ્યાય શરૂ થશે.
અન્ના હજારે અને તેમની ટીમ જે રીતે સરકારી લોકપાલ બીલનો વિરોધ કરી રહી છે તે જોતાં તેઓ આ મુદ્દાને કોઈપણ ભોગે છોડવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. ટીમ અન્નાનો મિજાજ સરકાર પોતે પારખી ગઈ છે. ભલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ અન્નાના આંદોલનથી નહીં ડરવાની શીખ કોંગ્રેસીઓને આપી છે પરંતુ અંદરખાને કોંગ્રેસને પણ આગામી વિધાનસભાની ચૂંટણીનો ભય સતાવે છે.
એક તરફ આજથી સંસદમાં સરકારી લોકપાલ બીલ ઉપરની ચર્ચાનો પ્રારભં થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આ લોકપાલ બીલ મંજૂર નહીં કરવા અન્ના હજારે પોતે રાજકીય પક્ષો ઉપર દબાણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અન્ના હજારેના અનશનનો એક નવો અધ્યાય શરૂ થયો છે તેવું ચોકકસપણે કહી શકાય. આ અધ્યાયનો અતં કેવા પ્રકારનો હશે? તે તો આવનારો સમય જ કહેશે