વડાપ્રધાન મનમોહનસિંઘ સ્વભાવે એકદમ નરમ છે કદાચ એટલે તેમણે ફરી એક વખત ભારે નરમાશ સાથે ભારતના સમાચાર માધ્યમોને સનસનાટીથી દૂર રહેવાની સલાહ આપી છે. આ અગાઉ પણ મનમોહનસિંઘ જયારે ટુજી કૌભાંડ ખુબજ ચગ્યું હતું ત્યારે પણ આવી સલાહ દઈ ચૂકયા છે. મનમોહનસિંઘે તો ભારતના સમાચાર માધ્યમો પાસે એવી અપેક્ષા રાખી છે કે તેમણે સનસનાટી ફેલાવતા સમાચારોને બદલે વાસ્તવિકતાનું નિરૂપણ કરતાં તેમજ રાષ્ટ્ર્ર માટે મહત્વના હોય તેવા સમાચારોનું પ્રસારણ કરવાની સલાહ પણ આપી છે.
વડાપ્રધાન મનમોહનસિંઘ શું એ નહીં જાણતા હોય કે અખબારો આજના જમાનામાં પોતાનો ધર્મ બરાબર બજાવી રહ્યાં છે ? અમે એમ નથી કહેતા કે બધા સમાચાર માધ્યમો દૂધે ધોયેલા છે તેમાં પણ ૧૦–૨૦ ટકા ખરાબી હશે પરંતુ અત્યારની સ્થિતિ જોતાં સમાચાર માધ્યમો સનસનાટીમાં પડવાને બદલે જે વાસ્તવિક ઘટનાઓ બને છે તેને અલગ અલગ રીતે રજુ કરી રહ્યાં છે.
અન્ના હજારે જેવો ઓલિયો માણસ ભ્રષ્ટ્રાચાર નાબૂદી માટે આવડી ઉંમરે અનશન ઉપર ઉતરે કે પછી સતત વધતી જતી મોંઘવારી સામે આંદોલનો થાય અને સમાચાર માધ્યમો તેને અસરકારક રીતે રજુ કરે તો શું તેને સનસનાટી કહી શકાય ? સમાચાર માધ્યમો તો અન્ના હજારે જે કરે છે તેને એમને એમ રજુ કરે છે અને મોંઘવારી સંદર્ભે સરકારનો કાન પણ આમળે છે. આમ છતાં સમાચાર માધ્યમોને સનસનાટીમાં નહીં પડવા અને રાષ્ટ્ર્ર માટે મહત્વના હોય તેવા સમાચારોનું પ્રસારણ કરવાની વડાપ્રધાનની સલાહ કેટલે અંશે વ્યાજબી ગણાય ?
વડાપ્રધાને સમાચાર માધ્યમોને પેઈડ ન્યુઝના દૂષણમાંથી પણ બહાર આવવા સલાહ આપી છે. વડાપ્રધાને એવું કહ્યું કે મીડિયાએ આવા પેઈડ ન્યુઝના દૂષણમાંથી મુકત થઈને પ્રમાણિક રીતે માહિતી રજુ કરવી જોઈએ. વડાપ્રધાનની આ સલાહ કાયદેસર રીતે જોવા જઈએ તો સાચી છે. ભૂતકાળમાં પેઈડ ન્યુઝનો મામલો દેશના અનેક રાયોમાં ચમકેલો છે. હાલના પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પૂર્વ જસ્ટીસ માકડેય કાત્જુએ પણ પેઈડ ન્યુઝના મામલામાં સમાચાર માધ્યમોની ટીકા કરેલી છે. અહીં સ્પષ્ટ્ર કહેવું પડશે કે પેઈડ ન્યુઝના દૂષણના જન્મદાતા રાજકારણીઓ જ છે. મનમોહનસિંઘના કહેવા પ્રમાણે જો ચૂંટણીના સમયે સમાચાર માધ્યમો પેઈડ ન્યુઝના દૂષણમાંથી મુકત થઈને પ્રમાણિક માહિતી રજૂ કરે તો અનેક રાજકારણીઓને ઘરે બેસી જવાનો સમય આવે. અહીં કહેવાનો એ અર્થ નથી કે અખબારો પેઈડ ન્યુઝ સ્વિકારીને લોકોની આંખે પાટા બાંધે છે પરંતુ જે બાબત અખબારો પોતે લખવા ઈચ્છતા હોતા નથી તેવા સમાચારો રાજકારણીઓ જાહેર ખબરના ભાવે અખબારોમાં છપાવીને પોતાની 'વાહવાહી' કરાવે છે.
વડાપ્રધાનને આમ તો એવું પણ કહ્યું કે ભારતમાં સમાચાર માધ્યમો સ્વતત્રં છે. સ્વતંત્રતા પછી દેશમાં સમાચાર માધ્યમોની ભૂમિકા અને તેમની કામ કરવાની પધ્ધતિઓ વિશે અનેક વખત ચર્ચાઓ થતી રહી છે. દેશના લોકો સ્પષ્ટ્રપણે માને છે કે મીડિયા ઉપર કોઈ બહારનું દબાણ હોવું ન જોઈએ. પોતાના પ્રવચનમાં મનમોહનસિંઘે મીડિયા ઉપર એક રીતનો ધમકીભર્યેા ગર્ભિત ઈશારો પણ કર્યેા હતો. તેમણે કહ્યું કે મીડિયાને લોકપાલના દાયરામાં લાવવા માટે અનેક રાજકીય પક્ષો તરફથી સરકાર ઉપર દબાણ આવેલું છે.
માનનીય મનમોહનસિંઘને માલુમ થાય કે મીડિયાને લોકપાલના દાયરામાં લાવવાની વાત કરીને તમે મીડિયા ઉપર આડકતરી સેન્સરશિપ લાદવાનો ઈશારો કર્યેા છે. આ પહેલા પણ સરકારના મંત્રીઓ એક યા બીજી રીતે આવી વાતો કહી ચૂકયા છે પણ હવે ખુદ વડાપ્રધાનના મુખેથી આ વસ્તુ સાંભળવા મળી છે.
મનમોહનસિંઘએ ચોક્કસ જાણતા હશે કે ભારતના સમાચાર માધ્યમો અત્યતં લાગણીશીલ છે. તેઓ બ્રિટનના પાપારાઝીઓ જેવા નથી. સમાચાર માધ્યમો પોતાનું કામ યોગ્ય રીતે નિભાવ્યે રાખે છે. જરૂર માત્ર રાજકારણીઓએ પોતાની માનસિકતા બદલવાની છે.