Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
 
૧૨/૦૧/૨૦૧૨ (ગુરૂવાર)
 

બાળકોમાં કુપોષણ: રાષ્ટ્ર્રીય શરમ...

 
 
 
ચદ્રં ઉપર પહોંચવાની ખેવના ધરાવતા અને વિકસિત દેશોની યાદીમાં સ્થાન મેળવવા માટે જોર કરી રહેલા ભારતની એક કડવી વાસ્તવિકતા બહાર આવી છે. વિકસીત દેશોમાં બાળકો મોટાપાનો શિકાર બની રહ્યા છે જયારે ભારતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના ૪૨ ટકા જેટલા બાળકો કુપોષણનો શિકાર બન્યા છે તેવી હકીકત બહાર આવતા ભલભલા લોકો ચોંકી ઉઠયા છે.
આજે દેશમાં વીજળી અને મોબાઈલ ૮૦ ટકા પ્રજા સુધી પહોંચી ગયા છે. પરંતુ બાળકોના પેટ સુધી ભોજન નથી પહોંચતું તે આજના સમયની બલિહારી છે. ઘરમાં મોબાઈલ છે પરંતુ બાળકોના પેટ ખાલી છે. વિકસીત દેશો સાથે રેસ લગાવવાની ઘેલછામાં ને ઘેલછામાં આજે સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે પાંચ વર્ષથી નાના ૪૨ ટકા બાળકોને નસીબમાં ભોજન નથી.
સિટીઝન્સ એલાયન્સ અગેઈન્સ્ટ માલ ન્યુટ્રીશ્યન દ્રારા કરાવવામાં આવેલા એક સર્વેમાં આ ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ એજન્સીએ દેશના નવ રાયોના ૧૪૨ જિલ્લાઓમાં રહેતા લગભગ ૧ લાખ બાળકોનો સર્વે હાથ ધર્યા બાદ સૌ માટે શરમજનક કહેવાય તેવો અહેવાલ રજૂ કર્યેા છે. ખુદ દેશના વડાપ્રધાન મનમોહનસિંઘે પણ આ બાબતને શરમજનક ગણાવી છે.
બાળકોમાં કુપોષણની જે વિગતો બહાર આવી છે તે ખરા અર્થમાં શરમનો વિષય છે. એક તરફ દેશની અર્થ વ્યવસ્થા ઝડપભેર આગળ વધી રહી છે ત્યારે બહાર આવેલી સિકકાની આ બીજી બાજુ કેટલી ભયાનક છે તેનો ખ્યાલ આવે છે. આંકડાઓ કહે છે કે દુનિયાના પ્રત્યેક ત્રણ કુપોષણથી પીડાતા બાળકોમાં એક બાળક ભારતીય છે. જે આંકડાઓ બહાર આવ્યા તેનાથી વડાપ્રધાન મનમોહનસિંઘે પણ સ્વીકારવું પડયું કે સરકાર દ્રારા ચલાવવામાં આવતી બાળ કલ્યાણ યોજનાઓ મહદ અંશે નિષ્ફળ ગઈ છે અને સરકારે આ દિશામાં વધુ અસરકારક પગલાં લેવા પડશે.
જો સરકારે પહેલેથી જ આ દિશામાં ધ્યાન આપ્યું હોત તો આજે આંકડાઓ જુદા હોત. જે આંકડાઓ બહાર આવ્યા છે તેના માટે માત્ર કેન્દ્ર સરકારની યોજનાઓને જ જવાબદાર ગણી શકાય છે તેવું નથી પરંતુ આ માટે રાય સરકારો પણ ઘણે ખરે અંશે જવાબદાર છે. રાય સરકારો પણ પોતાની જવાબદારી ખંખેરી શકે નહીં એ બાબત જગજાહેર છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું ગરીબોનું અનાજ ખુલ્લેઆમ ખુલ્લા બજારમાં પગ કરી જાય છે અને આવા અનાજના હકકદાર ગરીબો હાથ ઘસતા રહી જાય છે.
કેન્દ્ર અને રાય સરકારોએ બાળ કલ્યાણ યોજનાઓની યોજનાઓમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે એટલું જ નહીં પરંતુ આ દિશામાં પ્રજાને વધુ જાગૃત કરવાની પણ જરૂર છે. કુપોષણ માટે સૌથી વધુ જવાબદાર કારણ હોય તો તે ગરીબી અને બીજા નંબરે આરોગ્ય પ્રત્યે ઉદાસીનતા છે. જુદી જુદી રાય સરકારો દ્રારા બાળકોના આરોગ્ય અંગે છાશવારે સર્વે કરાવવામાં આવે છે અને તેમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવે છે આમ છતાં આ આંકડાઓ માત્ર સરકારી ફાઈલોમાં કેદ થઈ જાય છે. સામાન્ય રીતે બાળકોમાં આંખ, દાંત, ચામડી તેમજ કાન, નાક, ગળાની તકલીફો વધુ જોવા મળતી હોય છે. ઘણા સંજોગોમાં હૃદય, કીડની અને કેન્સર સુધીની ગંભીર બિમારી પણ બાળકોમાં જોવા મળી છે. અપુરતા આહારને કારણે આ બધી બિમારીઓ ધીરે ધીરે જન્મ લેતી હોય છે અને અધુરામાં પુરું તેમના આરોગ્ય પ્રત્યે દાખવવામાં આવતી લાપરવાહી કુપોષણને જન્મ આપે છે.
અહીં એ વાતનો ઉલ્લેખ પણ જરૂરી જણાઈ આવે છે કે એક તરફ જયાં બાળકોમાં આવા કુપોષણના આંકડાઓ બહાર આવ્યા છે ત્યારે બીજી બાજુ સરકારી ગોદામોમાં અનાજ સડી રહ્યું છે. સારો વરસાદ થવાથી દેશમાં અનાજનું મબલખ ઉત્પાદન થયેલું છે અને તે સરકારી ગોદામોમાં પડયું પડયું સડી જાય છે. આગળ કહ્યું તેમ જાહેર વિતરણ વ્યવસ્થા મુળમાં જ ખામીભરી હોવાથી ગરીબો સુધી તેમના હકકનું અનાજ પહોંચી શકતું નથી. દેશમાં સરકારી ગોદામોમાં કયારેક અનાજ સડી જાય છે તો કયારેક બટેટા અને અન્ય શાકભાજીઓ રસ્તા પર ફેંકી દેવા પડે તેવી નોબત આવે છે.
દેશમાં ભૂખ અને કુપોષણનો સામનો ત્યાં સુધી નહીં કરી શકાય કે જયાં સુધી દેશની વ્યવસ્થામાં રહેલી ખુટતી કડીઓને પુરી નહીં શકાય. આજનું બાળક આવતીકાલનો દેશનો નાગરિક છે તેવું આપણે સૌ કહીએ છીએ. પરંતુ જો આ બાળક જ કુપોષણથી પીડાતો હશે તો ભારતનો ભવિષ્યનો નાગરિક કેવો હશે તેની કલ્પના કરવી જરૂરી લાગે છે
Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.