અંજારના નાયબ કાર્યપાલક ઈજનેરને કોન્ટ્રાકટર દ્વારા ધમકી

July 17, 2019 at 8:49 am


અંજારના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેરને કોન્ટ્રાકટર દ્વારા તળાવ સુધારણા કામ અધૂરૂં હોવા છતાં પૂરૂં લખવાનું દબાણ કરી ધમકી આપી હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસ મથકે ચંદ્રકાંત શંકરદાન ગઢવી (ઉ.વ. રર) (રહે. રાપર)એ સુરેન્દ્રસિંહ ગોપાલસિંહ ઝાલા (રહે. ઝૂલેલાલ સોસાયટી ભુજ) તથા તેના બે સાગરીતો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદી જળસિંચન પેટા વિભાગ રાપર કચેરી તથા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. આરોપી સુરેન્દ્રસિંહ ઝાલા કંડલા ગોદી મજૂર કામદાર સહકારી મંડળીના સંચાલક છે તેઓએ ભીમાસર (ચકાસર) તળાવ સુધારણાનું કામ લીધું હતું અને કારણ વગરનું મોડું કરી કામ ચાલુ કર્યું હતું. બાદમાં ચાલુ કામે લેવલીંગ બાબતે સાહેદ મદદનીશ ઈજનેર ભરત રાબડીયાને ફોનથી ધમકી આપી ગાળો આપી હતી અને માપ લેવા માટે ફરિયાદી તથા સાહેદ ગયા ત્યારે આરોપી સુરેન્દ્રસિંહ ઝાલાએ માપ લેવાની ના પાડેલ અને પોતે જે પ્રમાણે માપ લખાવે તે પ્રમાણે માપ લખવા અને અધૂરૂ કામ છે તેને પૂરૂં દર્શાવવા માટેનું દબાણ કર્યું હતું. ફરિયાદીએ ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અંજાર પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ વિવિધ આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL