અમદાવાદથી ડાકોર સુધી ફોરલેન ભક્તિપથ બે વર્ષમાં તૈયાર થઈ જશે

February 5, 2018 at 11:40 am


આગામી બે વર્ષમાં અમદાવાદથી ડાકોર વચ્ચેનો અંદાજિત ૮૦થી ૮૫ કિલોમીટરનો ફોર લેન ‘ભક્તિપથ’ તૈયાર જશે. સાથે જ આ વર્ષે પદયાત્રાળુઓની સુવિધા માટે જ્યાં માર્ગ ચાલવા માટે યોગ્ય ન હોય તેનું સમારકામ કરાવવા, ભંડારા-સેવાકેન્દ્રોને થ્રી-ફેઝ વીજળી મળી રહે, મહુધાથી ડાકોર સુધી ઓછા ભંડારા હોય છે, તે વિસ્તારમાં ભંડારા બને તે માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે. સાથે જ ચાર ઝોન પણ બનાવાયા છે, જે સેવા કેન્દ્ર-ભંડારા વચ્ચે સંકલન સાધી શકે. ઉપરાંત, આ વર્ષે પ્રથમવાર સેવાકેન્દ્ર-ભંડારાની અલાયદી ડેટા બેંક રહેશે, એમ ડાકોર પદયાત્રી સેવાકેન્દ્ર સંકલન સમિતિ, અમદાવાદના અધ્યક્ષ હરિનભાઈ પાઠકે જણાવ્યું છે.

આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં ફાગણ સુદ પૂર્ણિમા, તા.૧ માર્ચના રોજ છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર ફાગણી પૂર્ણિમા નિમિત્તે રાજા રણછોડરાયનાં દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે એ અંગેની ડાકોર પદયાત્રી સેવાકેન્દ્ર સંકલન સમિતિ, અમદાવાદ બેઠક રવિવારે મળી હતી. જેમાં વિવિધ સેવાકેન્દ્ર અને ભંડારાના પ્રતિનિધિઓએ પ્રશ્નો અંગેની ચર્ચા કરી હતી.

આ અંગે ડાકોર પદયાત્રી સેવાકેન્દ્ર સંકલન સમિતિ, અમદાવાદના અધ્યક્ષ હરિનભાઈ પાઠક અને મહામંત્રી અતુલભાઈ પટેલે જણાવ્યું કે તા.૨૪મી ફેબ્રુઆરીથી ડાકોર જતાં માર્ગે સેવાકાર્ય શરૂ થઈ જશે. આ વર્ષે પણ પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં સેવાકેન્દ્ર અને ભંડારાની આસપાસના ૫૦૦ મીટર સુધી સ્વચ્છતા જળવા તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે ભંડારા અને સેવાકેન્દ્રો દ્વારા પણ વૃક્ષારોપણ થાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે આજની બેઠકમાં વાહનોની પરમિશન તેમજ વ્યવસ્થા માટે સૂચનો તથા યાત્રા અને યાત્રાળુઓ સંદર્ભે સર્વાંગીણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પદયાત્રાળુઓ માટે માર્ગોનું યોગ્ય સમારકામ થાય અને વૃક્ષોનું ટ્રિમિંગ થાય તે માટે પણ સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવશે.

અમદાવાદથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચે છે

ડાકોર પદયાત્રી સેવાકેન્દ્ર સંકલન સમિતિ, અમદાવાદના અધ્યક્ષ હરિનભાઈ પાઠકે જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાંથી ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે છે. જ્યારે ૫૦૦થી વધુ નાના-મોટા પદયાત્રા સંઘો પણ મોટી સંખ્યામાં ધજા સાથે પહોંચતા હોય છે.

Comments

comments