અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ટકરાઈ : ૩ મોત

December 2, 2019 at 8:32 pm


Spread the love

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્તાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પતિ-પત્ની પોતાના આઠ માસના પુત્રને લઇ અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યા હતા ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર તેમની સ્વીફ્‌ટ કાર એક મોટા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા આઠ માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યા હતા. બીજીબાજુ, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. મૃતકોમાં પતિ ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.૩૮), કનકભાઇ ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.૩૫) અને આઠ માસના પુત્ર મિહિર ગૌરાંગભાઇ કાનપરીયાનો સમાવેશ થાય છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં કારચાલકને ઝાકળ નડ્‌યો છે કે પછી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો તે અંગે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. કારની ઝડપ વધારે હોવાથી કારનો આગળના ભાગને પૂરી રીતે નુકસાન પહોંચ્યું હતુ અને બોનેટનો ભાગ ભુક્કો થઇ ગયો હતો. કાર એટલા ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી કે, પતિ-પત્ની અને તેમના આઠ માસના પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.