આગામી સપ્તાહે ગાંધીનગરમાં યોજાનારી ભાજપની પ્રદેશ કારોબારી

September 8, 2018 at 3:30 pm


આગામી સપ્તાહે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરેની હાજરીમાં મળનારી છે.
ભાજપના સંગઠન માળખાના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કારોબારીની બેઠકની તારીખ હજુ નકકી થઈ નથી પરંતુ તા.16 અથવા તા.17ના બેઠક બોલાવવામાં આવે તેવી શકયતા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઆે આગામી દિવસોમાં યોજાનારી છે તેની અને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.
હાદિર્ક પટેલના ઉપવાસના કારણે ઉભી થયેલી રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા પર કારોબારીની બેઠકમાં કરવામાં આવશે. જે ચાર રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઆે યોજાવાની છે ત્યાં ગુજરાતમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરોને મોકલવામાં આવશે. રાજકોટ સહિત ગુજરાતમાંથી કોને મોકલવાથી પક્ષને ફાયદો થાય તેમ છે તેની ચર્ચા કરી નામનું લીસ્ટ પણ ફાઈનલ થાય તેવી શકયતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.24 સપ્ટેમ્બર આસપાસ તમામ જિલ્લા મથકોએ અને ત્યારબાદ ચાલુ માસના અંતિમ સપ્તાહમાં અથવા તો આેકટોબર માસના પ્રારંભમાં મંડલ કક્ષાએ ભાજપની કારોબારીની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ કારોબારીની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયની અને આગામી કાર્યક્રમોની જાણ કરવામાં આવશે.

Comments

comments