આજે એનડીએની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

May 25, 2019 at 10:34 am


ભાજપના નેતૃત્વવાળા એનડીએના નવા ચૂંટાયેલા સાંસદોની આજે બેઠક થવા જઈ રહી છે, જેમાં તેઓ ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને પોતાનો નેતા પસંદ કરશે. તેની સાથે જ સરકારની રચનાની દિશામાં પ્રક્રિયા આગળ વધશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએએ લોકસભા ચૂંટણી 2019માં 354 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે.

નાણા મંત્રી અરૂણ જેટલીએ નાદુરસ્ત તબિયતના કારણે નવા મંત્રીમંડળમાં સ્થાન ન મેળવવાની જાહેરાત કરી છે. સુષમા સ્વરાજ ચૂંટણી પહેલા જ જણાવી ચૂક્યા હતા કે તેઓ હવે આગામી સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે નહીં. આથી, અમિત શાહને ગૃહ મંત્રાલય કે વિદેશ મંત્રાલય અથવા તો સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત, નવા મોદી મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા અને યુવાનોને પણ સ્થાન મળે તેવી સંભાવના છે.
આ સિવાય રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની કે જે જૂના મંત્રીમંડળમાં હતા તેમને નવા મંત્રીમંડળમાં પણ રાખવામાં આવે તેવી પૂરેપુરી સંભાવના છે. સાથે જ એનડીએના સાથી પક્ષો જેડીયુ અને શિવસેનાના કેટલાક સાંસદોને પણ મંત્રીપદ મળી શકે છે. કેમ કે બંને પક્ષે ક્રમશ 16 અને 18 સીટ પર વિજય મેળવ્યો છે. 17મી લોકસભાની રચના 3 જૂન પહેલા કરી દેવી અનિવાર્ય છે. આ અંગે ત્રણેય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને મળીને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી સુપરત કરે તેવી પણ સંભાવના છે.

લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. હવે દરેકી નજર નવી સરકારની રચના પર છે. એવા પણ અનુમાન વ્યક્ત થઈ રહ્યા છે કે, મોદીના નવા મંત્રીમંડળમાં અમિત શાહ સહિત અનેક નવા ચહેરાને સ્થાન મળી શકે છે.
નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીમંડલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સામુહિક રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારીને નરેન્દ્ર મોદીને નવી સરકારની રચના થાય ત્યાં સુધી કામચલાઉ વડાપ્રધાન પદે રહેવા જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL