આજે લોકશાહીનું મહાપર્વ

April 11, 2019 at 9:59 am


લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયુ છે અને 91 બેઠક ઉપર સેંકડો ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો: મતદારો કરી રહ્યા છે. આ વખતે સત્તા અને હરીફ પક્ષે જોશભેર પ્રચાર કર્યો છે પણ મતદારોએ પોતાનું મન કળવા નથી દીધું તેથી રાજકીય પક્ષો ચિંતામાં છે. લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે પણ લોકોના મનમાં સતત એક પ્રશ્ન ઘૂમરાઇ રહ્યો છે કે આ વખતે કોણ મેદાન મારી જશે?

સૌ કોઇને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી ફરીથી દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થશે કે કેમ? જુદી જુદી ટીવી ચેનલો ઓપિનિયન પોલ પણ કરાવી રહી છે, પરંતુ આ ઓપિનિયન પોલનાં કોઇ નક્કર તારણો જોવા મળતાં નથી. આ બધા વચ્ચે ભારતીય મતદાર અકળ જણાઇ રહ્યો છે. એવું લાગે છે કે ભારતીય મતદાર સમગ્ર ખેલ જોઇ રહ્યો છે અને મતદાનના દિવસે જ પોતાનાં પત્તાં ખોલશે. આ વખતના ચૂંટણીજંગમાં મુખ્ય લડાઇ મોદી વિરુદ્ધ તમામ વિપક્ષ વચ્ચે છે.

રાજકીય પક્ષો પણ અકળ જણાઇ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કે જેના પર દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો મદાર અને માર્ગ છે ત્યાં રાજકીય પક્ષો પણ અકળ મૌન ધારણ કરીને બેઠા છે. એવું જણાય છે કે ઉત્તર પ્રદેશમાં મોદી સામે ગઠબંધન કરનાર બે મુખ્ય પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ભેદી રીતે સાઇલન્ટ છે. જો ભાજપે ફરીથી દિલ્હીનો તખ્ત કબજે કરવો હશે તો ઉત્તર પ્રદેશમાં ચોક્કસપણે મેદાન મારવું પડશે અને 60થી 70ની વચ્ચે બેઠકો મળશે તો જ દિલ્હીની ગાદી સર કરી શકાશે.

આ બંને પક્ષોની સાઇલન્ટ જરૂર ચોંકાવનારાં પરિણામ લાવી શકે છે. એક વાત ચોક્કસ છે કે જો મોદીને ફરીથી દિલ્હીના સિંહાસન પર બેસવું હશે તો ઉત્તર પ્રદેશમાં કમસે કમ 70 બેઠકો મેળવવી જ પડશે. તેનું કારણ એ છે કે દ્ક્ષિણનાં રાજ્ય તેમજ પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યમાં ભાજપ્ને ઈચ્છે છે એટલી બેઠકો મળે એમ લાગતું નથી.તાજેતરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપ્ની આંખો ઊઘડી જાય એવું ચોંકાવનારું અંકગણિત રજૂ કરતાં જણાવ્યું હતું કે ર014માં જ્યારે નરેન્દ્ર મોદીની લહેર હતી ત્યારે પણ ભાજપ્ને સમગ્ર દ્ક્ષિણ ભારતનાં તમામ રાજ્યમાં માર પડ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં પણ બહુ જૂજ બેઠકો મળી હતી.

જોકે રાજકીય પક્ષો અને ચૂંટણી નિષ્ણાતોની ગણતરીનો સમગ્ર મદાર ભારતીય મતદાર પર છે. ભારતીય મતદાર ધારે તો ગમે તેેવી ગણતરીઓ ઊંધી-ચત્તી કરી શકે છે. ભારતીય મતદાર ક્યારેય છેલ્લી ઘડી સુધી પોતાનું મન કળવા દેતો નથી. મોદીની તરફેણમાં એક ્પરિબળ કામ કરી શકે છે. આ પરિબળ એટલે મોદી અને ભાજપે શરૂ કરેલ આક્રમક સોશિયલ મીડિયા ઝુંબેશ. સોશિયલ મીડિયા પર ભાજપ અને મોદી તરફી જોરદાર વીડિયો વોર ચલાવવામાં આવી રહી છે અને આ વીડિયો વોર સામાન્ય મતદારોને પ્રભાવિત કરે તેવી હોય છે. ખાસ કરીને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓથી કોંગ્રેસ સહિતના વિપક્ષ પીટાઇ જશે એવા અણસાર મળી રહ્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ ઉપરાંત મતદારને પ્રભાવિત કરી શકે તેવા 31 પોઇન્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ મુદ્દાઓમાં પીવાનું પાણી, વીજળી, સડક, ભોજન, શિક્ષણ, આરોગ્ય, જાહેર પરિવહન વગેરેનો સમાવેશ થાય છે. મતદારો મત આપતી વખતે આ મુદ્દાઓને પણ પ્રાથમિકતા અને અગ્રીમતા આપી શકે છે, સાથે-સાથે મતદાર આ મુદ્દાઓની કસોટી પર મોદી સરકારની કામગીરીને પણ મૂલવશે. આમ, હાલ તો મતદારોનું મન કળી શકાતું નથી.

Comments

comments