આજે સાંજે ચાંદના દિદાર થશે તો કાલે મુસ્લિમ સમાજ ઇદ ઉલ્લાસભેર ઉજવશે

June 4, 2019 at 11:40 am


જો આજે સાંજે ચાંદના દિદાર થશે તો મુસ્લિમ સમાજ આવતીકાલે ઇદની ઉલ્લાસભેર ઉજવણી કરશે. મુસ્લિમ બિરાદરોનો સૌથી પવિત્ર રમજાન માસ પૂર્ણતાને આરે છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં વિવિધ ખરીદી માટે મુસ્લિમ બિરાદરોની ભીડ જોવા મળી રહી છે. આ વખતનો રમજાન માસ કાળાઝાળ ગરમીના કારણે બિરાદરો માટે કસોટી સમાન બન્યો હતો. હવે રમજાન પૂર્ણતાના આરે હોય ઇદની ઉજવણી માટે મુસ્લિમ સમાજમાં ખુશી જોવા મળી રહી છે. જો આજે સાંજે ચાંદ દેખાશે તો આવતી કાલે રમજાન ઇદ સૌરાષ્ટ્રભરમાં મુસ્લિમ સમાજ શાનદાર રીતે ઉજવશે નહીં તો ગુવારે ઇદ મનાવશે. ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી નિમિત્તે ઇદગાહો અને મકાનોમાં રોશનીના શણગાર કરાયા છે. બિરાદરો નવા વસ્ત્ર પરિધાન સહિત વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત થયા છે. સરકારી કચેરીઓમાં કાલે રમજાન ઇદની સત્તાવાર જાહેર રજા રહેશે. પવિત્ર રમજાન માસને સખાવતનો માસ પણ કહેવામાં આવે છે. ઇસ્લામ ધર્મના આદેશ મુજબ બિરાદરો તેમની કમાણીમાંથી જકાત પે ગરીબ લોકોને સહાય કરે છે. આખો માસ ખુદાની બંદગી અને ઇબાદત સાથે રમજાન માસ પૂર્ણ થશે અને ઇદના તહેવાર પર ‘ઇદ મુબારક’ની એક-મેકને મુબારકબાદી પાઠવશે. તેમજ સેવયા સાથે મીઠુ મોઢુ કરી ઇદની ઉજવણી કરશે.

Comments

comments