આદિત્યાણાની ડંકી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ પાસે શ્રમયજ્ઞ કરાવતા રોષ

June 11, 2019 at 1:28 pm


શાળામાં વેકેશન પૂર્ણ થયું છે અને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે પોરબંદરના આદિત્યાણા ગામે ડંકી શાળામાં વિધાર્થીઓ પાસે કચરાનો નિકાલ કરાવવામાં આવતો હોવાનું આગેવાનોના ધ્યાને આવતા શિક્ષકોનું ધ્યાન દોરવા છતાં તેઓ ટસના મસ થયા ન હતા.
પોરબંદર નજીકના આદિત્યાણા ગામે ડંકી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સત્ર ખૂલતા જ વિધાર્થીઓને મેદાનમાં એકઠા થયેલા કચરાના ડ્રમ ભરીને દૂરના વિસ્તારમાં ફેંકવા માટેની સૂચના આપવામાં આવતા વિધાર્થીઓ સવારથી જ કામે લાગી ગયા હતા. ગામના અગ્રણી બાબુભાઈ પાંડાવદરાએ આ ઘટના નજરે નિહાળતા શિક્ષકોને આવું નહીં કરવા માટે કહ્યું હતું. પરંતુ શિક્ષકોએ તેની દરકાર લીધા વગર કામ ચાલુ રખાવ્યું હતું અને તેને શ્રમયજ્ઞ ગણાવ્યો હતો. બાબુભાઈએ જણાવ્યું હતું કે પાલિકાના સદસ્ય સોમાભાઈ લખમણભાઈએ પણ અગાઉ શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં તેઓ વિધાર્થીઓ પાસે જ શ્રમયજ્ઞ કરાવીને સફાઈ કરી કચરો ફેંકવા માટે મજબુર કરે છે તેથી આવું કરનારા શિક્ષકો સામે કડક પગલા ભરવા જોઈએ તેવી માંગ કરી છે.

Comments

comments