આધારમાં માહિતી અપડેટ કરવા પર પણ લાગશે જીએસટી!

February 6, 2018 at 11:01 am


આધાર કાર્ડને સરકારે હવે લગભગ દરેક કામ માટે જરૂરી બનાવી દીધું છે. આધાર કાર્ડ બનાવવા માટે એનરોલમેન્ટ કરવાનું ફ્રી છે, પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઇ)એ આધાર સેન્ટર પર આધારમાં ડિટેલ્સ અપડેટ કરાવવાના ચાર્જમાં ફેરફાર કર્યો છે. યુઆઇડીએઆઇએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
હકીકતમાં આધાર અપડેશનની સર્વિસને હવે 18 ટકા જીએસટીના માળખા અંતર્ગત લાવી દેવાઈ છે. આધાર સેન્ટર પર આધાર અપડેટ કરાવવાની ફી 25 રૂપિયા છે. તેના પર 18 ટકા જીએસટી લાગશે. આ રીતે લગભગ 5 રૂપિયા ટેક્સ આપવો પડશે. એટલે કે હવે આધાર અપડેટ કરાવવા માટે લગભગ 30 રૂપિયા આપવા પડશે.
તો યુઆઇડીએઆઇએ ટ્વીટમાં કહ્યું છે કે ,જો કોઈપણ સેન્ટર પર તેનાથી વધુ ફી લેવામાં આવે છે, તો ફી ન આપો, તેની અમને જાણ કરો. અમે ભ્રષ્ટાચારને બિલકુલ ચલાવી નહીં લઈએ. યુઆઇડીએઆઇનું કહેવું છે કે, જો કોઈને વધુ રૂપિયા આપવા કહેવાય છે, તો સીધો અમને રિપોર્ટ કરો. તે અમને પર્સનલ મેસેજ કરે. મેસેજમાં આધાર સેન્ટરનું પુરું નામ, એનરોલમેન્ટ એજન્ટનું નામ ઉપરાંત તેનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપો. અમે ફરિયાદના આધારે કાર્યવાહી કરીશું.
યુઆઇડીએઆઇએ કહ્યું છે કે, જો તમે તમારા આધાર કાર્ડની કલર પ્રિન્ટ કઢાવો છો તો તેના માટે 20 રૂપિયા આપવા પડશે. જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ આઉટ માટે 10 રૂપિયા આપવાના છે. જો બાળકોની બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરાવવાની છે તો તે ફ્રી છે. જોકે આધાર કાર્ડ ઘરેબેઠા જ ઓનલાઈન અપડેટ કરાવી શકાય છે. ઓનલાઈન અપડેટ કરાવવા માટે કોઈ ફી નથી આપવાની હોતી.

Comments

comments