આર્મી અને એરફોર્સની મદદ લેવા માટે પણ તંત્ર પૂર્ણ તૈયાર

June 11, 2019 at 8:44 pm


સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભવિત સ્થિતિને લઇ આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ, હવામાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવે બેઠક યોજી હતી. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. વાયુ વાવાઝોડાના કારણે ભાવનગરના કોસ્ટલ એરિયાથી લઇ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થવાની શકયતા છે ત્યારે સમગ્ર રાજયમાં તંત્રને એકદમ હાઇએલર્ટ પર રાખી દેવાયું છે. ખુદ વાયુ વાવાઝોડાને લઇ આજે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે રાજય સરકારને જરૂરી સૂચના અને નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, રાજય સરકાર તરફથી વાવાઝોડાથી અસર પામનારા જિલ્લાઓ અને વિસ્તારોમાં તમામ એરિયાના વૃદ્ધો, વિક્લાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો, બીએસએફની બે કંપની કચ્છમાં તૈનાત કરી દેવાઇ છે. આવતીકાલથી આર્મીની એક-એક ટીમ પણ દરેક પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવશે. અત્યારસુધીમાં એનડીઆરએફની ૧૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. વાયુસેનાની પણ જરૂર પડ્‌યે મદદ લેવામાં આવશે. બાકીની ૧૦ ટીમોની માંગ કરવામાં આવી છે.

કુલ ૩૫ જેટલી ટીમો આવતીકાલ સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે. વાવઝોડાથી પ્રભાવિત થનારા કોસ્ટલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સરકાર દ્વારા સંબંધિત તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે તા.૧૨ અને ૧૩ જૂનના રોજ પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. પશુઓને પણ નુકસાન ન થાય અને તેમના રક્ષણ માટેની જરૂરી જાણકારી અને સૂચનાઓ આપી દેવામાં આવી છે. શું કરવું, શું ન કરવું તેની દરેક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં સાડા ચાર લાખ માછીમારો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. એસએમએસ દ્વારા પણ નિયમિત રીતે મેસેજ કરી જાણ કરાઇ રહી છે. ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગની પણ અલગ-અલગ ટીમો બનાવી દરિયામાં ગયેલી તમામ બોટો પરત ફરી ચૂકી છે. વાવાઝોડાથી રસ્તાઓને નુકસાન અને ઝાડ પડવા જેવી ઘટનાઓ બને છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગની પણ અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે વાવાઝોડા બાદ તેને પૂર્વવત કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટના બને છે, જેને ઉલેચવા માટે રાજ્યોમાં જ્યાં પણ હેવી વોટરીંગ મશીન છે તેને આ તમામ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. બીજીબાજુ, વાવાઝોડાને લઇ લોકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. લોકોએ ઘરમાં બેટરી સહિતના જરૂરી સાધનો રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ આ બે દિવસ દરમિયાન દરિયા કિનારે જવાનું ટાળવા જણાવાયું છે. દરેક પોર્ટ પર કોસ્ટ ઓફ પોર્ટ એટલે કે બોટોને કિનારેથી દૂર લઇ જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. રેલવે સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

Comments

comments

VOTING POLL