આસામમાંથી 40 લાખ લોકોને રાજ્ય બહાર ધકેલાશે

September 11, 2018 at 11:00 am


આસામમાં નેશનલ રજિસ્ટર આેફ સિટીઝન્સનો મુદો ફરી ચર્ચાની એરણે આવી ગયો છે. ભાજપના મહામંત્રી રામ માધવે એમ કહ્યું છે કે, જેમના નામ રજિસ્ટરમાં નથી એમને દેશ નિકાલ કરાશે.
એમણે કહ્યું છે કે, જેમના નામ રજિસ્ટરમાં નથી એમને એમના મુળ દેશ તરફ મોકલી દેવા હવે જરૂરી છે. દરમિયાનમાં આસામના મુખ્યમંત્રી સોનોવાલે એવી માગણી કરી છે કે, આ રજિસ્ટરનો અમલ ભારતભરમાં થવો જોઈએ.
એક સેમિનારને સંબોધતાં રામ માધવ અને સોનોવાલે એમ કહ્યું હતું કે, જે લોકો જેન્યુઈન નાગરિકો છે એમને કોઈ તકલીફ નથી. ભારતભરમાં આ રજિસ્ટરનો અમલ થવાથી સાચા ભારતીયોને ફાયદો મળશે.
સોનોવાલે એવી ચીમકી પણ આપી છે કે, રજિસ્ટરમાં જે નથી એ બધા લોકોએ રાજ્ય છોડી દેવાનું રહેશે નહીતર અત્યારે સખત પગલા લેવાની ફરજ પડશે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ બનેલી એનઆરસીએ 40 લાખ જેટલા લોકોને રજિસ્ટરની બહાર ગણાવ્યા છે અને એ બધાને હવે દેશનિકાલ કરવામાં આવશે.
આ બધા નામ મતદાર યાદીઆેમાંથી કાઢી નાખવામાં આવશે. આ બધાને ગેરકાયદે વસાહતી જાહેર કરવામાં આવ્યા છે. એમને રાજ્યમાં રહેવાનો હવે અધિકાર રહેતો નથી. સરકારની બધી જ સહાયતા એમને બંધ કરી દેવામાં આવશે અને જો રાજ્યમાંથી બહાર નહી નીકળે તો છેલ્લે ડિપોર્ટ કરી દેવામાં આવશે. લોકોને દેશનિકાલ કરવાથી તેના આંતરરાષ્ટ્રીય પડઘા પડશે અને ભારતે રોષ સહ કરવો પડશે તેવી દલીલ અંગે નેતાઆેએ કહ્યું હતું કે, બાંગ્લાદેશ પણ રોહિંગ્યાઆેને કાઢવા માગે છે.

Comments

comments