ઇવીએમને મુદ્દે વિપક્ષો ફરી સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે

April 15, 2019 at 10:19 am


દેશના અનેક વિપક્ષે મતદાન માટેના ઇલેક્ટ્રોનિક મશીન (ઇવીએમ) અંગે ફરી શંકા વ્યક્ત કરતા રવિવારે જણાવ્યું હતું કે અમે વોટર્સ વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (વીવીપીએટી) સ્લિપ્સમાંની ઓછામાં ઓછી પચાસ ટકાના વેરિફિકેશનની દાદ ચાહતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરીશું. કોંગ્રેસ, તેલુગુ દેશમ પક્ષ, સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષે યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં લોકશાહી બચાવવા માટે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારના રક્ષણની માગણી કરી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પક્ષ લોકસભાની ચૂંટણી જીતવા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)નું પ્રોગ્રામિંગ કરે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે દેશના 21 રાજકીય પક્ષે વોટર્સ વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (વીવીપીએટી) સ્લિપ્સમાંની ઓછામાં ઓછી પચાસ ટકાના વેરિફિકેશનની માગણી કરી છે.

નાયડુએ જણાવ્યું હતું કે હું મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને શનિવારે મળ્યો હતો અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની ખરાબ કામગીરી અંગે ફરિયાદ કરી હતી. અગાઉ, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાના મતવિસ્તારોના પાંચ મતદાન કેન્દ્રમાંની વીવીએપીટી સ્લિપ્સને સરખાવવા આદેશ આપ્યો હતો. દરમિયાન, ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ દાવો કર્યો હતો કે વિપક્ષો લોકસભાની ચૂંટણીમાંના પોતાના સંભવિત પરાજયનું બહાનુ શોધવા પ્રયાસ કરી રહ્યા છે.

Comments

comments