એએમટીએસના ડ્રાઇવરોની હડતાળનો ટુંકમાં જ અંત થશે

June 10, 2019 at 8:04 pm


અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ)ની કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઇવરોની હડતાળના આજે ૪થા દિવસે આખરે આંશિક સમાધાન થયું હતુ. જેને પગલે છેલ્લા ત્રણ દિવસથી શહેરના માર્ગો પર દોડતી બંધ કરાયેલી એએમટીએસની ૧૦૦થી વધુ બસો પૈકીની ૬૮ બસો આજે ફરી માર્ગો પર દોડતી કરાઇ હતી. હવે એકાદ-બે દિવસમાં ડ્રાઇવરોની આ હડતાળ સમેટાઇ જવાની શકયતા છે. આ માટે અમ્યુકો સત્તાધીશો અને તંત્રના પ્રયાસો જારી છે. એએમટીએસ ડ્રાઇવરોની હડતાળમાં આંશિક સમાધાન થતાં અને ૬૮ બસો માર્ગો પર ફરી દોડતી થતાં શહેરીજનો ખાસ કરીને લાલદરવાજા, સારંગપુર સહિતના રૂટના મુસાફરોને મોટી રાહત મળી હતી. પગાર વધારો અને અન્ય પડતર માંગોને લઈ ચાર્ટર્ડ સ્પિડ લિમિટેડ કંપનીના ૨૦૦થી વધુ ડ્રાઇવર કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. આજે ૪થા દિવસે હડતાળમાં બંને પક્ષે આંશિક સમાધાન થયું હતુ અને તેના ભાગરૂપે ૬૮ બસો ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. એએમટીએસ બસના ડ્રાઇવરોની હડતાળના કારણે શહેરમાં બસ સેવા પ્રભાવિત થઇ હતી.

આ હડતાળથી એએમટીએસની ૧૦૦થી વધુ બસો માર્ગો પર ઓછી દોડતા ખાસ કરીને મહિલા, બાળકો અને વૃધ્ધો સહિતના મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. બીજીબાજુ, ચાર્ટર્ડ સ્પિડ લિમિટેડ કંપનીના ડ્રાઇવરોની હડતાળને લઇ અમ્યુકો સત્તાધીશોએ પણ ગંભીર નોંધ લઇ આકરૂં વલણ અપનાવ્યું હતુ અને કોન્ટ્રાક્ટ કંપનીને શો-કોઝ નોટિસ ફટકારી તેની પાસેથી ખુલાસો માંગ્યો હતો. એટલું જ નહી, અમ્યુકોએ કોન્ટ્રાક્ટ કંપનીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ સ્પિડ કંપનીનો એએએમટીએસ સાથે કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડને અમ્યુકો દ્વારા નોટિસ આપવામાં આવી છે. આજે ૪થા દિવસે ડ્રાઇવરોની હડતાળમાં આંશિક સમાધાન થતાં ઠપ્પ કરાયેલી ૧૦૦ બસો પૈકીની ૬૮ બસોને માર્ગો પર ફરી દોડતી કરાઇ હતી. બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશોએ હડતાળ એકાદ બે દિવસમાં સમેટાઇ જાય તેવા સંકેત આપ્યા હતા.

Comments

comments

VOTING POLL