એકિઝટ પોલ મુજબ ચોકીદાર ચોર નહીં શીરમોર છે: જનતાએ કર્યેા ઈશારો: રાહુલનું રાફેલ ક્રેશ

May 20, 2019 at 4:57 pm


કોઈપણ ઈશ્યુ વગરની લોકસભાની ચૂંટણી ગઈકાલે સંપન્ન થઈ ગઈ હતી અને એ સાથે જ સાંજથી એકઝીટ પોલની શરૂઆત થઈ ગઈ હતી. એકઝીટ પોલમાં જનતાનો મિજાજ પારખી શકાય છે અને જીતનો સંકેત મળી જતો હોય છે. આ બધા સર્વેમાં એનડીએને સ્પષ્ટ્ર બહુમતી આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના રાફેલ કૌભાંડની ફલાઈટ ટેક ઓફ થઈ નથી અને જનતાએ તેને રીજેકટ કરી દીધી છે. સાથોસાથ રાહુલ ગાંધીએ દરેક સભામાં ચોકીદાર ચોર હૈ ની નારાબાજી કરી હતી પરંતુ એકઝીટ પોલમાં જનતાએ એવો ઈશારો કર્યેા છે કે, ચોકીદાર જ શીરમોર છે.

વિપક્ષની વ્યૂહરચના અત્યારે આ બધા સર્વેના આધારે ઉંધી પડી રહેલી દેખાય છે. રાહુલ ગાંધીએ પાંચ વર્ષ સુધી મોદી સરકાર પર જે આક્ષેપો કર્યા છે અને બીજા વિપક્ષી નેતાઓએ જે આરોપો મુકયા છે તેને જનતાએ ફગાવી દીધા છે.

એક વાત એવી પણ ઉડીને આંખે વળગે છે કે, જનતાને મોંઘવારી, બેરોજગારી, હિંસા, જ્ઞાતિ હિંસા, મહિલા હિંસા નડતી નથી. આ દેશની જનતાને હજુ પણ એનડીએની સરકારમાં વિશ્ર્વાસ છે તે હકિકત આ બધા સર્વે પરથી ફલિત થઈ છે અને તેનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. આ વખતે પ્રચારમાં કોઈ લહેર દેખાતી ન હતી પરંતુ અંડર કરટં એનડીએ માટે હતો તેને કોઈ પામી શકયા નથી. ચૂંટણી પ્રચારના અભિયાનમાં મહાત્મા ગાંધીને ગાળો દેવામાં આવી, આતંકવાદનો આરોપ જેના પર છે તેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા અને જનતાને નડતા અને ત્રાસ આપતા કોઈ ઈશ્યુ પર આ પ્રચાર આધારીત રહ્યો નથી. એકબીજાની સામે કાદવ ઉછાળવા પુરતો પ્રચાર સીમીત રહ્યો હતો. આમ છતાં જનતાએ એકઝીટ પોલમાં એનડીએ સરકારને જ સ્પષ્ટ્ર બહુમતી આપી છે માટે તમામ વિપક્ષની પીછેહઠ અત્યારે દેખાઈ રહી છે. યુપીમાં ભાજપને જોરદાર ફટકો પડી રહેલો દેખાય છે પરંતુ આ ખોટની ભરપાઈ ગુજરાત, મહારાષ્ટ્ર્ર, બંગાળ અને ઓરીસ્સામાં થઈ રહી છે. બંગાળમાં તો સર્વે મુજબ મમતા બેનર્જીના ગઢમાં ભાજપે પોતાની સફળતાના ઝંડા રોપી દીધા છે. મમતા બેનર્જી માટે આ એકઝીટ પોલના તારણો આઘાતજનક છે અને ચેલેન્જીગં પણ છે.

વાંચકોને એક વાતની યાદ અપાવવી જરૂરી છે કે, ૨૦૧૪માં પણ લોકસભાની ચૂંટણીમાં તમામ એકઝીટ પોલમાં એનડીએને જીત અપાવવામાં આવી હતી અને તે શબ્દશ: સાચી પડી હતી. તો પછી ૨૦૧૯ના એકઝીટ પોલમાં આ પોલને તમે ખોટા કઈ રીતે કહી શકો ? મમતા બેનર્જીએ એકઝીટ પોલ પર જરાય વિશ્ર્વાસ નથી તેવી વાત કરી છે. એ જ રીતે ડાબેરી નેતા યેચ્ચુરી સહિતના અન્ય વિપક્ષી નેતાઓએ પણ એકઝીટ પોલને બકવાસ ગણાવ્યા છે.

જો કે, ૨૩મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની. પરંતુ એક વાત હકિકત છે કે, એકઝીટ પોલના તારણોને તમે સંપૂર્ણ રીતે રીજેકટ કરી શકો નહીં. કારણ કે, તેમાં જનતાના મિજાજનું પ્રતિબિંબ પડી જાય છે અને પરિણામો કઈ દીશા તરફ વળવાના છે તેનો સ્પષ્ટ્ર સંકેત મળી જાય છે. મત આપીને બહાર નીકળતા લોકો બધા જ ખોટા હોતા નથી કે, બધા જ ખોટા જવાબ આપતા નથી. નિષ્ફળતાને કે હારને સ્વીકારવામાં મન મોટું રાખવું જોઈએ અને ખેલદીલીપૂર્વક આવા તારણોના સંકેતોનો સ્વીકાર કરવો જોઈએ.

એકઝીટ પોલ મુજબ યુપીમાં પ્રિયકં ગાંધીએ થોડી ઘણી અસર દેખાડી છે બાકી રાહુલ ગાંધીએ તો હજુ પાંચ વર્ષ ઈન્તઝાર કરવાનો છે તેવો સંકેત આ બધા સર્વેમાંથી બહાર આવ્યો છે. કોંગ્રેસમાં તેમજ ખાસ કરીને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેમજ ડાબેરીઓમાં હતાશાનો માહોલ છે. આ બધાએ હજુ પાંચ વર્ષ વેઈટ કરવાનું છે. પાછલા પાંચ વર્ષમાં જે કોઈ નકારાત્મક ઘટનાઓ બની છે તેની જનતાએ કોઈ નોંધ લીધી નથી અને બાલાકોટ ઓપરેશન તેમજ રાષ્ટ્ર્રવાદના મુદ્દા પર એનડીએને ફરીવાર કેન્દ્રમાં સત્તા ભોગવવાની તક મળી રહી છે તેમ કહેવું અસ્થાને નથી. રાષ્ટ્ર્રવાદનો મુદ્દો એનડીએ સરકારને બચાવી ગયો છે નહીંતર એનડીએને આટલી સફળતા સતત બીજી વખત મળવી મુશ્કેલ હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે સરકાર ચાલી છે તેનો લોકોએ સ્વીકાર કર્યેા છે અને એટલા માટે એકઝીટ પોલમાં જનતાએ એનડીએને સ્પષ્ટ્ર બહુમતી આપી છે.

રાફેલ વિમાનની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટ્રાચાર થયો છે અને નોટબંધીથી જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. વેપાર–ધંધા ઠપ્પ થઈ ગયા છે. જીએસટીએ વેપારીઓને પરેશાન કર્યા છે તેવા રાહુલ ગાંધીના તમામ આક્ષેપો નિરાધાર પૂરવાર થયા છે અને જનતાને રાહુલની આ વાતોમાં વિશ્ર્વાસ દેખાયો નથી. હવે ૨૩મીએ પડદો ઉંચકાતાની સાથે જ એનડીએ ગઠબંધને સરકાર રચવાની દિશામાં કામગીર શરૂ કરવાની છે.

Comments

comments

VOTING POLL