એક કમાન્ડોને સ્વદેશ પાછા ફરવામાં ડર શેનો?: મુશર્રફને પાકિસ્તાનની કોર્ટનો સવાલ

June 14, 2018 at 12:21 pm


આજીવન ગેરલાયક ઠરાવવાના કેસમાં ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને હાજર રહેવાનો અંતિમ સમય ફાળવતા પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને ટોણો પણ માર્યો હતો કે, એક કમાન્ડો પોતાના જ દેશમાં પાછા ફરવામાં આટલો કઇ રીતે ગભરાઇ શકે?
પેશાવરની વડી અદાલતે 2013માં તેમને ગેરલાયક ઠરાવ્યા તે ચુકાદા સામે મુશર્રફે અપીલ કરતાં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેપી)સાકિબ નિસારના નેતૃત્વ હેઠળની ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. તેમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે જો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગુરુવારે બપોરે બે વાગ્યા સુધી અદાલતમાં હાજર નહીં થાય તો કાયદા અનુસાર આ કેસમાં નિર્ણય લેવામાં આવશે.
આ કેસની સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે 74 વર્ષના મુશર્રફને બુધવારનો સમય ફાળવવામાં આવ્યો હતો અને એ જ શરતે સર્વોચ્ચ અદાલતે તેમને 25મી જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારીપત્રક ભરવા દેવાની મંજૂરી આપી હતી.
જો કે, મુશર્રફે ચિત્રાલ એનએ-વનની બેઠક માટે આ અઠવાડિયાની શરૂઆતમાં જ ઉમેદવારીપત્રક ભર્યું હતું, પણ આ ભૂતપૂર્વ સરમુખત્યાર બુધવારે અદાલતમાં હાજર રહ્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે તેઓ પ્રવાસ કરી શકે એ માટે તેમના રાષ્ટ્રીય ઓળખપત્ર (સીએનઆઇસી)અને પાસપોર્ટ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, છતાં તેઓ હાજર રહ્યા નહોતા.
મુશર્રફ અદાલતમાં હાજર રહ્યા નહોતા અને અદાલતને પોતાના વકીલ મારફત એ સંદેશો મોકલાવ્યો હતો કે,મને સુરક્ષાની બાંહેધરી જોઇએ છે. આ અંગે ન્યાયમૂર્તિ નિસારે નારાજગી દશર્વિી હતી અને એમ જણાવ્યું હતું કે,સર્વોચ્ચ અદાલત મુશર્રફની શરતોને આધિન નથી.
અમે પહેલાં જ કહ્યું છે કે જો મુશર્રફ પાછા આવશે, તો તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવશે. અમે તેમને લેખિત બાંહેધરી આપવા માટે બંધાયેલા નથી.
જો પરવેઝ મુશર્રફ કમાન્ડો છે, તો તેમણે પાછાં ફરીને એ સાબિત કરવું જોઇએ. મુશર્રફને સુરક્ષાની જરૂર શા માટે છે? તેમને શાનો ડર છે? એમ તેમણે વધુમાં પૂછ્યું હતું.

Comments

comments

VOTING POLL