એક લાખથી વધુ વસતી ધરાવતાં 18 નગરપાલિકા વિસ્તારમાં નવી મામલતદાર કચેરીઆે ઉભી કરાશે

January 10, 2019 at 11:17 am


પોતાના કામ માટે લોકોને દૂર-દૂર સુધી ધકકા ખાવા ન પડે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઆેમાં થઈ રહેલા સતત વધારાના કારણે ગુજરાત સરકારના મહેસુલ વિભાગે એક લાખથી વધુ વસતી ધરાવતાં 18 નગરપાલિકા વિસ્તાર માટે મામલતદાર (શહેર)ની નવી કચેરીઆે ઉભી કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે કુલ 126 જગ્યાઆેનું મહેકમ ઉભું કરવામાં આવ્યું છે.

નવું મહેકમ ઉભું કરવા માટે રાજ્ય સરકારે 2018-19ના અંદાજપત્રમાં કુલ એક લાખ રૂપિયાની ટોકન જોગવાઈ તરીકે અને મામલતદાર વર્ગ-2, નાયબ મામલતદાર વર્ગ-3, સર્કલ આેફિસર (નાયબ મામલતદાર વર્ગ-3 અને કારકુન વર્ગ-3ની જગ્યાના પગાર ધોરણો મંજૂર કરાયા છે. મામલતદારની 18, નાયબ મામલતદારની 36, સર્કલ આેફિસરોની 18 અને કારકુનની 54 જગ્યાઆે નવા મહેકમમાં મંજૂર કરવામાં આવી છે.

18 નગરપાલિકા વિસ્તારમાં જ્યાં નવી મામલતદાર કચેરીઆે શરૂ થવાની છે તેમાં અમરેલી, ભુજ, કલોલ, વેરાવળ, ગોધરા, પાટણ, પોરબંદર, પાલનપુર, ડિસા, ભરૂચ, બોટાદ, મહેસાણા, જેતપુર, ગાેંડલ, મોરબી, વાપી, વલસાડ અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે.

મહેસુલ વિભાગના ઉપસચિવ આર.એચ. ભાભોરના જણાવ્યા મુજબ મામલતદાર વર્ગ-2ની 18 જગ્યાઆે નાણાં વિભાગ તથા માહિતી પ્રસારણ વિભાગ ખાતેથી તબદિલ થઈને પરત આવેલા મામલતદાર (નાની બચત) તથા મામલતદાર (મનોરંજન કર)ની રદ થયેલી જગ્યાઆે સામે ઉભી કરવામાં આવે છે. અન્ય 108 જગ્યાઆે હાલના મહેકમમાંથી આંતરિક વ્યવસ્થાથી તબદિલ કરીને ભરવાની રહેશે.

વર્ગ-3ની જગ્યાઆે ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો બઢતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો ફિકસ પગારની નીતિ મુજબ ભરવાની રહેશે. આ જગ્યાઆે ભરતી વખતે અનામતનું ધોરણ નિયમાનુસાર જળવાય અને બેકલોગની જગ્યા હોય તો તેને અગિ્રમતા આપવાની રહેશે. સરકારના પ્રવર્તમાન પરીક્ષા નિયમો અને ભરતી પધ્ધતિને અનુસરીને રિક્રુટમેન્ટ કરવાની રહેશે.

નવી મંજૂર કરેલી જગ્યાઆે જે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ તે લંબાવવાની જરૂર જણાય તો મુદત પુરી થવાના એક માસ અગાઉ વિધિવત દરખાસ્ત કરીને મંજૂરી મેળવવાની રહેશે.

Comments

comments

VOTING POLL