એનડીએનો વધુ એક સાથી પક્ષ મહાગઠબંધનમાં જોડાય તેવી શક્યતા

August 27, 2018 at 11:06 am


લોકસભા ચૂંટણી- 2019 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાનપદ સંભાળી રહેલા રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ એક નિવેદન આપીને હલચલ સજીર્ છે. તેમના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં અનેક અંદાજો મંડાવા લાગ્યા છે.
શનિવારે લોક સમતા પાર્ટી દ્વારા પટનામાં આયોજિત બી.પી.મંડલની જયંતી કાર્યક્રમને સંબોધન કરતાં ઉપેન્દ્ર કુશવાહાએ સંકેત આપતાં કહી દીધું હતું કે યાદવોનું દૂધ અને કુશવાહોના ચોખા મળી જાય તો એક બહેતર ખીર તૈયાર થઈ શકે તેમ છે.
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે યદુવંશી યાદવોનું દૂધ અને કુશવંશી કોઈરી સમુદાયના ચોખા મળી જાય તો સારી ખીર બની શકે તેમ છે.અને સ્વાદિષ્ઠ વાનગીને બનતાં કોઈ રોકી શકે તેમ નથી. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના આ પ્રધાનના કેટલાય અર્થ નીકળી રહ્યા છે. તેમના નિવેદનને રાજદ વડા લાલુપ્રસાદ યાદવ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. આરજેડીને જ યદુવંશીઓનો પક્ષ કહેવામાં આવે છે. યદુવંશી મહદઅંશે ગોપાલક છે અને કુશવાહા મહદઅંશે ખેતીવાડી કરે છે. કુશવાહાએ સંકેતોમાં કહી દીધું હતું કે લોકસમતા પાર્ટી અને આરજેડી હાથ મિલાવી દે તો બિહારમાં ભાજપ, જદયુ અને લોજપ ગઠબંધનને હરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એનડીએમાં મુખ્યપ્રધાન નીતીશકુમારના જદયુનું આગમન થતાં વીતેલાં કેટલાક વખતથી એ મુદ્દે નારાજ છે કે ગઠબંધનમાં તેમનું કદ ખૂબ નાનું થઈ ગયું છે. કુશવાહા અને નીતીશકુમાર વચ્ચે તાલમેલ પણ નથી. ઉપેન્દ્ર કુશવાહા 2020ની વિધાનસભા ચૂંટણીમાં બિહારના મુખ્યપ્રધાન પદના ઉમદેવાર બનવા માગે છે.
જદયુ ભડકી ગઈ
મહાગઢબંધનમાં સામેલ થવા અંગેના કુશવાહાના નિવેદન મુદ્દે જદયુએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા દૂધ અને ચોખા મેળવીને કોઈ મીઠી વાનગી બનાવશે તો શુગરની બીમારી થવાની ભીતિ છે. જદયુ પ્રવક્તાએ કુશવાહાને એનડીએમાં ચાલુ રહેવા આગ્રહ કરતાં કહી દીધું હતું કે શુગર શરીરને હાનિ પહોંચાડે છે. બહેતર છે કે તીખું ફરસાણ ખાતા રહેવું.

Comments

comments