‘એસટી આપના દ્વારે’ 51 મુસાફરનું ગ્રુપ બુકીગ હશે તો બસ ઘર સુધી આવશે

October 9, 2019 at 2:18 pm


દિવાળીના વેકેશનમાં માદરે વતન જવા માટે પ્રવાસીઆેની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે એસટી તંત્રને મુસાફરો મળી રહે અને પ્રવાસીઆેને સુવિધા અને સલામત સવારી મળે તે હેતુથી ભાવનગર એસટી ડીવીઝન દ્વારા 51 મુસાફરના ગ્રુપ બુકીગના કિસ્સામાં પ્રવાસીઆેના ઘરના આંગણાથી લાવવા, મુકવા ખાસ સુવિધા આપવાની જાહેરાત કરાઇ છે. જેમાં પ્રવાસીઆે પાસેથી સવાગણુ ભાડુ વસુલાશે.

એસટીના સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ દિવાળી વેકેશન દરમિયાન ભાવનગર એસટી ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવામા આવશે. જેમાં ખાસ કરીને કોઇ વિસ્તારમાંથી એક સાથે 51 મુસાફરોનું બુકીગ હશે તો તેમને તેમના વિસ્તાર કે સોસાયટીમાંથી ગંતવ્ય સાથે અથવા વતન જવા માટે બસ સેવા પુરી પાડવામા આવશે. જો કે, આ માટે એસ.ટી. નિયત ભાડાના બદલે સવા ગણુ ભાડુ વસુલશે. વધુમાં મુસાફરોએ આ સુવિધા માટે ભાવનગર ડેપો મેનેજર, વિભાગીય નિયામક, વિભાગીય પરિવહન અધિકારી અથવા વિભાગીય કચેરી ટ્રાફિક શાખા, પાનવાડી તેમજ બસ સ્ટેન્ડ પરના ઇન્ચાર્જનો સંપર્ક કરવા જણાવાયું છે. વધુમાં દિવાળી વેકેશનમાં મોટાભાગે લોકો ખાનગી વાહનો દ્વારા જ પ્રવાસના આયોજનો કરતા હોવાથી એસટીનું પુરતો ટ્રાફિક મળતો નથી. તેમ છતા જો કોઇપણ રૂટ પર ટ્રાફિક વધુ જણાશે તો એસટી દ્વારા તે સ્થળે વધારાની બસ મુકવામા આવશે તેમ એસટી ડીસી પટેલે જણાવ્યુ હતુ.

Comments

comments