કઈ ટ્રેન કયાં છે ? તે હવે સરળતાથી જાણી શકાશે: રેલવેએ અપ્નાવી સિસ્ટમ

June 19, 2019 at 11:59 am


ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના અકસ્માત હોય કે પછી ટ્રેનની અનિયમિતતા. આ પડકારો મોટી સમસ્યા બને નહીં તેના માટે ભારતીય રેલવેની સાથે તેના અગત્યનું યુનિટ ક્રિસ (સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ્સ) સાથે મળીને મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોના રિયલ ટાઈમ રિયલ લોકેશનની સિસ્ટમ અપ્નાવવા જઈ રહ્યું છે, એવું રેલવેના સાધનોએ જણાવ્યું હતું.
હાલના તબક્કે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેના ઝોનની લાંબા અંતરની ટ્રેનોના રિયલ ટાઈમ રિયલ લોકેશન માટે પ્રાયોગિક ધોરણે ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. આ નવી યોજના અન્વયે મેલ-એક્સ્પ્રેસ ટ્રેનના એન્જિનને જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ્સ) ડિવાઈસથી જોડવામાં આવશે. આ ડિવાઈસ રેલવેના ઓપરેશનલ વિભાગ સાથે કનેક્ટ હશે, જેથી કરીને સમગ્ર સિસ્ટમ્સ ટ્રેનની મૂવમેન્ટ સાથે તેના લોકેશનને ડિટેક્ટ કરી શકશે. આ જીપીએસ ડિવાઈસ સેટેલાઈટથી કનેક્ટેડ હોવાથી ટ્રેનની મૂવમેન્ટ જાણવામાં મદદ મળશે. ઉપરાંત, ટ્રેનની ઓવરસ્પિડિંગ સહિત અકસ્માત સહિતની સમસ્યાના નિવારણમાં મદદ થશે, એવું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે બોર્ડની યોજનાને સમર્થન આપતા ક્રિસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેની મળીને કુલ 150થી વધારે ટ્રેનના એન્જિનમાં ડિવાઈસ લગાવવામાં આવ્યા છે, જેની ત્રણ મહિનાથી વધારે સમયગાળા દરમિયાન ટ્રાયલ કરી છે, તેનાથી ટ્રેન જ પોતાનું નિશ્ર્ચિત સ્ટેટ્સ બતાવશે, હાલ સુધી દરેક સ્ટેશન(રેલવે સ્ટેશન સ્ટાફ સહિત)ના મેનેજરને ટ્રેનની મૂવમેન્ટની જાણ કરવામાં આવતી હતી, પરંતુ નવી ટેક્નિકથી જીપીએસ જ ટ્રેનનું લોકેશન બતાવશે. લાઈવ ટ્રેન રનિંગ સ્ટેટસ, લાસ્ટ રિપોર્ટેડ લોકેશન, એસ્ટિમેટેડ ટાઈમ ઓફ અરાઈવલ વગેરે બાબત પણ જીપીએસ સિસ્ટમથી જાણી શકાશે. આ માહિતી ફક્ત રેલવે જ નહીં, પરંતુ પબ્લિક પ્લેટફોર્મ પર જાણી શકશે. એટલે પ્રવાસીઓ માટે આ સિસ્ટમ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં વધારે અસરકારક સાબિત થઈ શકે છે.

જોકે, એનટીઆઈએસ (નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ) કાર્યરત છે, પરંતુ રિયલ ટાઈમની વ્યવસ્થા નહોતી, તેથી નવી ટેક્નિક પ્રમાણે જીપીએસના ડિવાઈસથી ટ્રેનનો રિયલ ટાઈમ જાણવા મળશે, જેમાં રેલવેનું મેન્યુલ કામ ઓછું થશે, જ્યારે ટ્રેનની એક્યુરસી, પંક્ચ્યુઆલિટી, સ્પીડ તથા લોકેશન જાણવામાં મદદ મળશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. આ નવી સિસ્ટમ છે, જેને સારો પ્રતિભાવ મળ્યો છે. અમુક મુશ્કેલી આવી રહી છે. જેમ કે લિન્ક બ્રેક પણ થાય છે, જ્યારે કનેક્ટિવિટીમાં અવરોધ આવે છે, પરંતુ તેનો ઉકેલ લાવવામાં આવશે. ટૂંકમાં, રેલવે અને પ્રવાસીઓના લાભમાં આ સિસ્ટમ અમલી બનવાથી લાંબા ગાળે રેલવેને વધારે ફાયદો થાય એ હકીકતમાં જરૂરી છે, એવું રેલ પ્રવાસી સંઘના સભ્યે જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL