કચ્છમાં ૧૨ શખ્શોને પાસા હેઠળ જેલ હવાલે કરાતાં ફફડાટ

April 12, 2019 at 9:54 am


આગામી લોકસભાની ચૂંટણી મુકત વાતાવરણ અને ન્યાયી રીતે યોજાઇ શકે સાથો-સાથ લોકશાહી પર્વની આ પ્રક્રિયા દરમિયાન કયાંય કોઇ અસમાજીક તત્વો કોઇ અનિચ્છનીય હરકતને અંજામ ન આપી જાય તે માટે આગોતરી તકેદારી સ્વરૂપે જીલ્લા વહીવટીતંત્રની સાથે પોલીસ તંત્રે પણ કમર કસીને દારૂનાં દૈત્યને અસરકારક રીતે ડામવા જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરફેર, અસામાજીક પ્રવૃતિઓને નિયંત્રણમાં લેવા ૧૨ શખ્શો વિરૂધ્ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાયતની ધાક બેસાડતી ‘પાસા’ જેવી કડક કાર્યવાહી હાથ ધરાતાં દારૂની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતાં અસામાજીક પ્રવૃતિ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ ઉપરાંત આર્મ્સ એકટ, એટ્રોસિટી સહિતના ગુન્હાઓ સામે પણ તંત્ર દ્વારા ધાક બેસાડતું પાસાનું શસ્ત્ર ઉગામી અસામાજીક તત્વોને જેલ હવાલે કરી દેવાયાં છે. જીલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા કચ્છમાં સામાજીક માહોલને બગાડતી આવી કોઇ પણ અસસામાજીક પ્રવૃતિ અટકાવવા વ્યાપક પગલાંઓ અને કડક કાર્યવાહી હાથ ધરીને અસામાજીક પ્રવૃતિ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.
ભુજની લોટસ કોલોનીના રહેવાસી ઇબ્રાહિમ હાસમ કેવર સામે પાસાની કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલના સળિયા પાછળ ધકેલી દેવા સાથે ભચાઉનાં હિંમતપુરા વિસ્તારના રહેવાસી રજાકશા આમદશા શેખ અને ભચાઉના સર્વોદય સોસાયટીના રહેવાસી હિતેષ સામજીભાઈ મકવાણા ઉપરાંત નખત્રાણા તાલુકાના ચાવડકાના રહેવાસી જીવુભા સાંગાજી જાડેજા તેમજ ચાવડકાના દુજુભા સાંગાજી જાડેજા, અબડાસા તાલુકાના કંકાવટીના રહેવાસી ભોજુભા ડુંગરસિંહ સોઢા, અબડાસા તાલુકાના ખાનાયના રાસુભા તગજી સોઢા અને ભચાઉ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો સંગ્રહ, વેંચાણ અને હેરફેરની ગેરકાયદેસરની ખુલ્લેઆમ પ્રવૃતિ કરતાં વારાહી તા.સાંતલપુરના અયુબખાન ઇસબખાન (યુસુબખાન) જત મલેક સામે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામી જેલ હવાલે કરી દેવાયાં છે.
આ સિવાય ભુજના સંજોગનગરના ઇમરાન ઉર્ફે પપ્પુડો મહમદ હુસેન સુમરા સામે વિવિધ ગુન્હા અને આર્મ્સ એકટ કલમ-રપ(૧)એ અને રપ(૧)બી વિગેરે મુજબ પાસા અંતર્ગત જેલ મોકલી દેવાયાં છે. તો ગળપાદર તા. ગાંધીધામનાં શિવરાજસિંહ મદનસિંહ શેખાવત સામે પણ પ્રોહીબિશન હેઠળના ગુનાઓ સબબ તો ભુજના સંજોગનગરના નિઝામ અબ્દુલગની મોગલ સામે ઇપીકો તથા એટ્રોસીટી એકટ હેઠળના ગુનાઓ પોલિસ દફતરે નોંધાયેલા હોઇ, તેમજ ભુજના એરપોર્ટ રોડ, ગાંધીનગરીના અબ્દુલ કાસમ બજાણીયા સામે ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ઇપીકો તથા એટ્રોસીટી એકટ હેઠળના ગુનાઓ પોલિસ દફતરે નોંધાયેલા હોઇ પાસાની કાર્યવાહી બાદ જેલ હવાલે મોકલી દેવાયાં છે.

Comments

comments

VOTING POLL