કણકોટ ગામના કૂવામાંથી મળેલી લાશનો ભેદ ખુલ્યો : સ્કૂલ સંચાલકે આડાસંબંધ ખુલ્લા પડી જવાના ભયથી મહિલાનું કાસળ કાઢી નાખ્યું

September 7, 2018 at 4:11 pm


શહેરના કણકોટ ગામની સીમમાં આવેલ કુવામાંથી અજાણી મહિલાની શંકાસ્પદ લાશ મળ્યાના બનાવમાં રી-પોસ્ટમોર્ટમ બાદ મહિલાની હત્યા કરી કુવામાં લાશ ફેંકી દીધાનું બહાર આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ મધ્યાહન ભોજનની સંચાલીકાની હત્યા કરનાર સ્કૂલ સંચાલક સહિત બે શખસોને ઉઠાવી લઈ આકરી પુછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સ્કૂલ સંચાલકે આડા સંબંધ ખુલ્લા પડી જવાના ભયથી સાગરીત સાથે મળી મહિલાનું કાસળ કાઢી નાખ્યાનું બહાર આવ્યું છે. બનાવના પગલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી. જેમાં વ્યભિચારી સ્કૂલ સંચાલકને મહિલા સાથે આડા સંબંધ હોય અવારનવાર દાગીના અને પૈસા આપતો હોય જેથી મહિલાની લાલચ વધી જતાં આડા સંબંધ ખુલ્લા પડી જવાના ડરથી મધ્યાહન ભોજનની સંચાલીકાનું ઢીમ ઢાળી દીધાનું જણાવ્યું હતું અને 5 થી 6 કલાક બાદ બન્ને શખસોએ કણકોટ ગામની સીમમાં લાશ ફેંકી દીધાનું તેમજ બન્ને શખસોની વધુ પુછપરછ માટે 10 દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા કણકોટ ગામની સીમમાં આવેલ કુવામાં અજાણી મહિલાની લાશ તરતી હોવાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો દોડી જઈ લાશનું પીએમ કરવા હોસ્પિટલે ખસેડી મહિલાની આેળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મહિલા પાસેથી જીઈબીનું બીલ મળી આવતા મૃતક મહિલા હીનાબેન રાજેશભાઈ મહેતા નામની વણીક પ્રાૈઢા અને રેલનગરમાં રહેતા હોવાનું બહાર આવતા પોલીસે જાણ કરતા દોડી આવેલા તેના પુત્ર ગૌરવે તેની માતાનો મૃતદેહ આેળખી બતાવી તેની માતાની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે હીનાબેનની લાશનું રી-પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાને ગળાફાંસો આપી હત્યા કર્યાનું તપાસમાં બહાર આવતા મધ્યાહન ભોજનમાં સંચાલીકા તરીકે ફરજ બજાવતી હીનાબેનને છેલ્લે કર્મયોગી સ્કૂલના સંચાલક શાંતીલાલ હરદાસ વિરડીયા (રહે. નહેરૂનગર)એ ફોન કરી મળવા બોલાવ્યાનું બહાર આવતા પોલીસે શાંતિલાલને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા વ્યભિચારી શાંતિલાલને છેલ્લા કેટલાક સમયથી હીનાબેન સાથે આડાસંબંધ હોય અવારનવાર દાગીના તેમજ પૈસા આપતો હોય તેની લાલચ વધી જતાં આડા સંબંધ ખુલ્લા પડી જવાના ભયથી કલર કામ કરતો વિજય શ્રીઆધ્યા રાય સાથે મળી હત્યાનો પ્લાન બનાવી આઠમના દિવસે બપોરે મળવા બોલાવી ગળાફાંસો આપી કાસળ કાઢી નાખ્યા બાદ પાંચથી છ કલાક બાદ બન્ને શખસોએ કણકોટ ગામની સીમમાં આવેલ કુવામાં લાશ ફેંકી દીધાની કબુલાત આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી 10 દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિ-પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ભેદ ખુલ્યો

રાજકોટ ઃ કણકોટ ગામની સીમમાં આવેલ કુવામાંથી બે દિવસ પહેલા મળી આવેલી મધ્યાહન ભોજનની સંચાલીકાની લાશ મળી આવ્યાના બનાવમાં પોલીસે તપાસ કરતા તેના પુત્રએ હત્યાનો આક્ષેપ કરતા પોલીસે લાશનું રી-પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યાની સનસનીખેજ વિગતો બહાર આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ સ્કૂલ સંચાલક શાંતિલાલને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા ભેદ ઉકેલાયો હતો.

રંગીન મિજાજી શાંતિલાલને દોઢ વર્ષથી ગુપ્ત રોગ હતો

રાજકોટ ઃ વડવાજડી ખાતે મધ્યાહન ભોજનની સંચાલીકા તરીકે ફરજ બજાવતી અને રેલનગરમાં રહેતી હીનાબેન રાજેશભાઈ મહેતા સાથે આડા સંબંધ ધરાવતો રંગીન મિજાજી શાંતિલાલને છેલ્લા દોઢ વર્ષથી ગુપ્ત રોગ હોય જેની દવા પણ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શાંતિલાલે મહિલાના હાથ-પગ પકડી રાખ્યા અને વિજયે ફાંસો આપી દીધો

રાજકોટ ઃ રેલનગરમાં રહેતી અને વિરડા વાજડી ખાતેની સ્કૂલમાં મધ્યાહન ભોજનની સંચાલીકા તરીકે નોકરી કરતી હીનાબેન મહેતાને કર્મયોગી સ્કૂલના સંચાલક શાંતિલાલ સાથે આડા સંબંધ હોય અવારનવાર પૈસા અને દાગીના આપતો હોય જેની લાલચ વધી જતાં આડા સંબંધ ખુલ્લા પડી જવાના ડરથી શાંતિલાલે બે દિવસ પહેલા તેની સ્કૂલમાં કલર કામ કરતા વિજય સાથે પ્લાન બનાવી આઠમના દિવસે હીનાબેનને મળવા બોલાવી પ્લાન મુજબ શાંતિલાલે હીનાબેનના હાથ-પગ પકડી રાખી અને વિજયે ચૂંદડીથી ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી.

Comments

comments

VOTING POLL