કારમાં ટીકટોક વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા યુવકનું મોત

April 15, 2019 at 10:15 am


દેશી પિસ્ટલ સાથે મોબાઇલ એપ્લિકેશન ટીક ટોક પર વીડિયો બનાવી રહેલા યુવકે ભૂલથી કરેલા ફાયરિંગમાં એક 19 વર્ષીય યુવકનું મોત થયું છે. પીડિત યુવક તેમજ તેના બે મિત્રો દિલ્હીના ઇન્ડિયા ગેટથી પરત ફરી રહ્યા હતા ત્યારે કારમાં આ બનાવ બન્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે શનિવારે રાત્રે સલમાન તેના બે મિત્રો, સોહેલ અને આમિર સાથે ઇન્ડિયા ગેટ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સલમાન ગાડી ચલાવી રહ્યો હતો. આ સમયે તેનો મિત્ર સોહેલ કે જે આગળની સીટમાં બેઠો હતો તે ટીક ટોક પર વીડિયો બનાવી રહ્યો હતો. આ માટે તેણે દેશી પિસ્ટલ સલમાન તરફ તાકી હતી. આ દરમિયાન ફાયરિંગ થતાં પિસ્ટલમાંથી નીકળેલી ગોળી સલમાનને વાગી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ વખતે આમિર પાછળની સીટમાં બેઠો હતો. બનાવ બન્યો ત્યારે કાર રણજીત સિંઘ ફ્લાયઓવર પર હતી. બનાવ બાદ સોહેલ અને આમિર ડરી ગયા હતા અને સલમાનને દરિયાગંજ ખાતે તેના એક સંબંધીના ઘરે લઈ ગયા હતા. અહીં સલમાનના કપડાં બદલ્યા હતા અને તેને નજીકમાં આવેલી એલએનજેપી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરોએ સલમાનને મૃત જાહેર કર્યો હતો. બંને મિત્રો સલમાનને હોસ્પિટલમાં દાખલ કરીને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ મામલે બારાખંભા પોલીસે હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સોહેલ, આમિર અને શરીફ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી લીધી છે.

ગોળી ફાયર કરવા માટે સોહેલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આમિરની હથિયારનો નાશ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. શરીફ બનાવ બન્યો ત્યારે હાજર ન હતો પરંતુ સલમાનના લોહીવાળા કપડાંનો નાશ કરવા માટે તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે ગોળી ભૂલથી ચાલી હતી કે ઇરાદાપૂર્વક ગોળી ચલાવવામાં આવી હતી. પીડિય યુવક સલમાન તેના ઘરમાં સૌથી નાનો હતો. સલમાન પોતાના માતાપિતા સાથે ન્યૂ જાફરાબાદ વિસ્તારમાં રહેતો હતો. તેના પિતા આ વિસ્તારમાં બિઝનેસ કરી રહ્યા હતા. સલમાન અંડર ગ્રેજ્યુએટ હતો, તેમજ બિઝનેસમાં તેના પિતાને મદદ કરતો હતો.

Comments

comments