કાલુપુર શુઝ માર્કેટ : CIDના દરોડા : બેની કરાયેલી ધરપકડ

October 12, 2019 at 8:36 pm


Spread the love

દિવાળીના તહેવારોને લઇ શહેરના બુટ-ચપ્પલના માર્કેટમાં ખાસ કરીને શુઝ માર્કેટમાં નકલી માલ ઉતારી લોકોને પધરાવી દેવાની ગતિવિધિ ચાલી રહી હોવાની બાતમીના આધારે આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ કાલુપુર શુઝ માર્કેટમાં અચાનક જ દરોડા પાડયા હતા. જેના પગલે સ્થાનિક વેપારીઓ ખાસ કરીને બુટ-ચપ્પલના વેપારીઓ અને કારીગરોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ કાલુપુર શુઝ માર્કેટમાંથી રૂ.૧૫ લાખથી વધુનો નકલી બુટ-ચપ્પલનો માલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેને પગલે શહેરના અન્ય શુઝ માર્કેટ અને બજારમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી. તો, આ સમાચાર માર્કેટમાં વાયુવેગે પ્રસરતાં નકલખોરો અને ઠગાઇ કરનાર તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ શુઝ માર્કેટમાં ચાલતાં આ ગોરખધંધા અને છેતરપીંડીના કૌભાંડમાં વધુ તપાસ જારી રાખી છે. ખાસ કરીને પકડાયેલા આરોપીઓ સાથે આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે, તેઓ આ નકલી માલ માર્કેટમાં કેવી રીતે અને કયાંથી લાવતા હતા, સમગ્ર નેટવર્કમાં કોની મદદગારીથી આ કૌભાંડ ચાલી રહ્યું છે, કાલુપુર શુઝ માર્કેટ સિવાય અન્ય કયા કયા બજારોમાં આ પ્રકારની છેતરપીંડીની મોડેસ ઓપરેન્ડી ચાલી રહી છે તે સહિતના મુદ્દાઓની તપાસ સીઆઇડી ક્રાઇમે હવે શરૂ કરી છે. આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડમાં મહત્વની વિગતો સામે આવે તેવી પૂરી શકયતા છે. હાલ તો, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કૌભાંડ સંબંધી આકરી પૂછરપછ શરૂ કરી છે. સીઆઇડી ક્રાઇમે કાલુપુર શુઝ માર્કેટમાંથી રૂ.૧૫ લાખથી વધુનો નકલી બુટ-ચપ્પલનો માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને ચીટર તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.