કાલે અમિત શાહ ગુજરાતમાં: આજે સુષ્મા સ્વરાજની હાજરીમાં જામનગરમાં સંમેલન

April 18, 2019 at 11:37 am


ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. અત્યાર સુધીના ચૂંટણી પ્રચારના પ્રમાણમાં ટાઢોડું રહ્યા બાદ છેલ્લા દિવસોમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહલ ગાંધી આજે ગુજરાતમાં છે અને અમરેલી, વંથલી સહિત અલગ-અલગ સ્થળોએ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલ તા.19ના રોજ સવારે 11-15 કલાકે છોટા ઉદેપુરમાં અને બપોરે 1-35 કલાકે વલસાડ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. છોટા ઉદેપુરમાં બોડેલીના માર્કેટ યાર્ડમાં અને બપોરે 3 વાગ્યે વલસાડના ધરમપુરમાં માલનપાડા ખાતે અમિત શાહની સભાનું આયોજન કરાયું છે.
કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ આજે ગુજરાતની મુલાકાતે છે. બપોરે 2 વાગ્યે અમદાવાદમાં કુષાભાઉ ઠાકરે હોલ ખાતે મહિલા સંમેલન અને સાંજે 6 વાગ્યે જામનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં સુષ્મા સ્વરાજ સંબોધન કરશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને ઉપલાકાંઠા વિસ્તારમાં પાણીના ઘોડા નજીક યોજાયેલી જંગી જાહેરસભાને તેમણે સંબોધન કર્યું હતુંં. કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ પાલા આજે વાંકાનેર અને મોરબીના રવાપર ખાતે જાહેરસભાને સંબોધન કરશે.

Comments

comments