કેન્સરની મોંઘી દવાઓ અને ઇન્જેકશનના ભાવમાં ૭૦ ટકા ઘટાડો: દર્દીઓ માટે રાહત

May 18, 2019 at 4:59 pm


Spread the love

કેન્સરના દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર છે કે કેન્સરની દવા અને ઈન્જેકશનમાં સરકારે અંતે ધરખમ ભાવ ઘટાડો કરતાં દર્દીઓને સારવાર મોંઘી નહીં પડે. કેન્સરની ભયંકર બિમારીના લીધે દર્દીઓ માનસિક અને શારીરિક રીતે પીડાતા હોય છે ત્યારે મોંઘીદાટ દવાઓના કારણે આર્થિક રીતે પણ પીડાવાનો વારો દર્દી અને તેમના પરિવારજનોને આવતો હોય છે. આ કેન્સરની દવાઓના ભાવ ઘટાડવા માટે ઘણા સમયથી સરકારમાં રજૂઆતોનો ધોધ વહ્યો હતો. જો કે મોડે મોડે પણ સરકારે આ મે મહિનાથી કેન્સરની દવાઓ અને ઈન્જેકશનના ભાવમાં ૭૦ ટકા જેટલો ઘટાડો કરતાં દર્દીઓ માટે આ સમાચાર રાહતરૂપ બની રહેશે.

સૌરાષ્ટ્ર્ર–કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારના ઔષધિ વિભાગ દ્રારા એક મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેન્સરની સારવારમાં વપરાતી કઈ દવાઓમાં કેટલા ટકા ઘટાડો સહિતની જાણકારી દેશભરના કેમિસ્ટ એસોસિએશન અને મેડિકલ સ્ટોર્સમાં મોકલી આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભાવ ઘટાડો તા.૧–૫થી થયો છે ત્યારે રાજકોટમાં કેન્સરના દર્દીઓને ઘટાડેલા ભાવ મુજબ આવતી તફાવતની રકમ પણ પરત આપી દેવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના આસીસ્ટન્ટ ફડ એન્ડ ડ્રગ કમિશનર ઝાલાએ માનવીય હકારાત્મક અભિગમ કેળવી દર્દીઓને મોંઘીદાટ દવાઓનું બિલ ન ચૂકવવું પડે અને આ ભાવમાં જે ઘટાડો થયો છે તે પ્રમાણે આવતી તફાવતની જે રકમ છે તે દર્દીઓને બોલાવીને ચૂકવી દેવામાં આવે છે. વધુમાં મળતી વિગતો મુજબ મોટી અને કોર્પેારેટ હોસ્પિટલો દ્રારા ૧–૫–૨૦૧૯ પૂર્વે જે ભાવ હતા તે મુજબ દવા અને ઇન્જેકશનના ચાર્જ વસુલાયા હતા ત્યારે કમિશનરે આ બધી જ હોસ્પિટલોમાં તાકિદ કરી અને તફાવતની રકમ દર્દીઓને બોલાવીને પરત આપી દેવામાં આવી છે