કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત

May 18, 2019 at 12:45 pm


લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ પડધરી-ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પુત્ર વિશાલ સહિતના પરિવારજનો સિક્કિમ અને પશ્ર્ચિમ બંગાળ ફરવા ગયા હતા અને કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતાં તેઓ વોલ્વોમાં બહેરામપુર તરફ આવી રહ્યા હતા. દરમિયાન તેમની બસનો એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાને પગલે વિશાલનું મોત નિપજ્યું છે.

ઘટનાને પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ઉપલેટા અને ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી રાજકોટ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કગથરા પરિવાર પર આવી પડેલ દુ:ખદ ઘટનામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ઘેરો શોક વ્યકત કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લલિત કગથરાના પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા ત્યારે તેમણે માથું બારી બહાર રાખ્યું હતું. આ દરમિયાન અચાનક બાજુમાંથી પસાર થતાં ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થવાથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ પસાર થતાં વાહનો પૈકી કોઈ મદદે ન આવતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, લલિત કગથરા રાજકોટના નિર્મલા રોડ સ્થિત પારસ સોસાયટીમાં ‘કરમ’, 34-બી ખાતે રહે છે. તેમને સંતાનમાં બે પુત્રો વિશાલ અને રવિ છે. મૃતક વિશાલ રાજકોટ ખાતેનું તેમનું કારખાનું સંભાળતા હતા. તેના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ દિલસોજી પાઠવી

 લલીતભાઈ કગથરાના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
પશ્ચિમ બંગાળમાં થયેલ માર્ગ અકસ્માતની વિગત પણ લલીતભાઈના ભત્રીજા જયેશભાઈ પાસેથી ટેલીફોન દ્વારા જાણકારી મેળવી ત્યાના સ્થાનીક પ્રશાસન સાથે સંપર્કમા રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવા પણ વાત કરી છે.

Comments

comments

VOTING POLL