કોની થશે ‘એકિઝટ’, કોના દાવાની ખુલશે ‘પોલ’: કાલે ફેંસલો

May 22, 2019 at 10:46 am


ભારતનો દરેક નાગરિક જેની આતૂરતાથી રાહ જોઈને બેઠો છે તે લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. તાજેતરમાં જ લોકસભાની ૫૪૨ બેઠકોને લઈને જાહેર કરવામાં આવેલા એકિઝટ પોલમાં એનડીએની સરકાર બની રહેલી દર્શાવાઈ હતી ત્યારે આ એકિઝટ પોલ સાચા પડશે કે કેમ તેનું ચિત્ર પણ કાલે કિલયર થઈ જશે. સવારે આઠ વાગ્યાથી જાહેર થનારા પરિણામને લઈને ભાજપ, કોંગ્રેસ, સપા–બસપા, આમ આદમી પાર્ટી, એનસીપી, તૃણમુલ કોંગ્રેસ, એઆઈએડીએમકે, ડીએમકે સહિતના રાજકીય પક્ષો મીટ માંડીને બેઠા છે તો બીજી બાજુ કાલે ખુલનારી મતપેટી કોની તરફે નીકળશે તેની ચર્ચા ચોરે ને ચૌટે શરૂ થઈ ગઈ છે. કાલે થનારી મતગણતરીને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
આ વખતની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ હતી અને તેનું સરેરાશ મતદાન ૬૭ ટકા નોંધાયું હતું આમ ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનમાં પણ વધારો નોંધાયો હોય આ વધારો કોની તરફેણમાં નીકળશે તે પણ જોવું રસપ્રદ બની રહેશે.
કેન્દ્રમાં ફરી સત્તાના સૂત્રો સંભાળવા માટે ભાજપે આખા દેશમાં ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને પોતાની તરફે આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું કોંગ્રેસે પણ કયાંય કાંચું કપાઈ ન જાય તે માટેની રણનીતિ ઘડી હતી. આ બન્ને મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ પોતપોતાના રાયમાં વધુમાં વધુ બેઠકો અંકે કરી કેન્દ્રમાં પોતાનો દબદબો જાળવી રાખવા અને બનાવવા માટે તાકાત લગાવી હતી.
જો કે આ બધાની વચ્ચે લોકોનો ઝોક કોની તરફે રહે છે તે તો આવતીકાલે ખુલનારી મતપેટી પરથી સ્પષ્ટ્ર થશે. છેલ્લા તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ એકિઝટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા જે તમામમાં એનડીએની સરકાર બની રહેલી દર્શાવાઈ હતી ત્યારે હવે આ એકિઝટ પોલ સાચા પડશે કે પછી માત્ર ‘પોલ’ જ સાબિત થશે તેનું ચિત્ર પણ કિલયર થઈ જશે.
બીજી બાજુ આ વખતે પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ અને ત્યારપછી વીવીપેટની ગણતરી હાથ પર લેવાનાર હોય પરિણામો સ્પષ્ટ્ર થવામાં રાત પડી શકે છે અને સંભવત: કોઈ કોઈ ઉમેદવારે તો પોતે જીત્યા છે કે હાર્યા છે તે જાણવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડે તેમ છે.

Comments

comments

VOTING POLL