ગારિયાધારના મોટા ચારોડિયા ગામનો શખસ જાલીનોટ સાથે ઝડપાયો

July 18, 2019 at 11:27 am


Spread the love

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારના કોમ્પ્લેક્ષની આેફિસમાંથી જાલીનોટ છાપનાર શખ્સ ઝડપાયા બાદ પોલીસે તેની પુછપરછ પછી વધુ એક શખ્સને દબોચી લીધો હતો. દરમ્યાનમાં આ જાલી નોટ પ્રકરણમાં એલસીબીએ ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્સની રૂપિયા 30 હજારની જાલીનોટ સાથે ઝડપી લીધો હતો.

થાેડા દિવસ પૂર્વે શહેરના બોરતળાવ વિસ્તારના કુમુદવાડીમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં ઉમા એજન્સી નામની આેફિસમાં એસઆેજીએ દરોડો પાડી જાલી નોટ છાપવાનું કૌભાંડ પકડી જીજ્ઞેશ ધીગાણી નામના શખ્સને ઝડપી તેના રીમાન્ડ મેળવી હાથ ધરેલી પુછતાછમાં ભાવનગરના હાદાનગરમાં રહેતો વિપુલ નામના શખ્સને ઝડપી લીધો હતો.

દરમ્યાનમાં બન્ને શખ્સોની સઘન પુછપરછમાં ઉપલબ્ધ થયેલી કેટલીક વિગતોના આધારે ભાવનગર એલસીબીએ ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામે રહેતો હસુ ઝાલાવાડીયા નામના શખ્સને રૂપિયા 500ના દરની 60 નોટ કિંમત રૂપિયા 30 હજાર સાથે ઝડપી લઇ તેની સઘન પુછતાછ હાથ ધરી હતી.