ગુજરાતની 26 બેઠક ઉપર કેસરિયો લહેરાશે: અમરેલીમાં નરેન્દ્ર મોદી

April 18, 2019 at 11:01 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પ્રચારના પોતાના અંતિમ દિવસે અમરેલીમાં જંગી જાહેરસભાને સંબોધી ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપ્ના વિજય પતાકા લહેરાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમય ગુજરાતવિરોધીઓને અને દેશવિરોધીઓને સબક શીખડાવવાનો છે. અમરેલી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી આ જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને નરેન્દ્ર મોદી જ્યારે મંચ ઉપર આવ્યા ત્યારે ‘મોદી મોદી’ના નારાથી સમગ્ર મેદાન ગુંજી ઉઠયું હતું. અમરેલીની બેઠક ઉપર વર્તમાન સાંસદ નારણ કાછડીયા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. આ સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પરિવારવાદમાં માની રહી છે. મારા મતે આ ચૂંટણી ‘નામદાર’ અને ‘કામદાર’ વચ્ચેની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા પણ અનુરોધ કર્યો હતો.

અમરેલીમાં આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે ત્યારે અમરેલીની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રશાસન દ્વારા ભવ્ય તૈયારીઓ કરાઈ છે અને ફોરવર્ડ ના ગ્રાઉન્ડમાં મોટા મોટા ડોમ ઉભા કરવામાં આવ્યા છે જેમાં હવા પાણી ની સંપૂર્ણ સગવડતા કરવામાં આવી છે અને અત્યારે સભામાં ઉપસ્થિત થવા આવી રહેલી જાહેર જનતા માટે છાશ તેમજ ઠંડા પાણીનું વિતરણ થઇ રહ્યું છે અને જનતા માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટૂંક સમયમાં એટલે કે દસ ને દસ વાગ્યે ભાવનગર થી હેલિકોપ્ટર દ્વારા અમરેલી એરપોર્ટ ઉપર નરેન્દ્ર ભાઈ મોદી પહોંચી રહ્યા છે તેમને આવકારવા એરપોર્ટ ઉપર ડોક્ટર ભરત કાનાબાર, પી પી સોજીત્રા, વાલજીભાઇ ખોખરીયા, બાલુભાઈ તંતી વગેરે આગેવાનો અત્યારે એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઉષ્માભેર મળ્યા હતા. ફોરવર્ડ સ્કુલ થી આખા એરપોર્ટ રોડ ને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એરપોર્ટ પર પણ એસ પી જી કમાન્ડો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફોરવર્ડ સ્કૂલ પાસે સીનીયર સીટીઝન પાર્ક માં નરેન્દ્ર ભાઈ મોદી તેમજ ભારતના નકશાના મોટા કટાઉટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં રાત્રે લેસર શો દ્વારા ભારતમાં ભાજપ્ની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા થયેલા કામોનો ચિતાર આપવામાં આવે છે. ખૂબ જ મોટી સંખ્યામાં અમરેલી જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લામાંથી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે લોકો ઉમટી પડ્યા છે સભાસ્થળે બેસવાની પણ જગ્યા ખૂટી પડે એવું લાગી રહ્યું છે.

Comments

comments