ગુજરાતમાં કાેંગ્રેસીઆે ચણીયાબોરની જેમ સસ્તા અને હાથવગા કેમ હોય છે ?: ભાજપનું ઘર પણ કાેંગ્રેસીઆે વગર બંધાતું જ નથી ?

March 11, 2019 at 10:10 am


આપણે ત્યાં એવી સિસ્ટમ છે કે રવિવાર આવે ત્યારે જુના અને ફાટેલા તૂટેલા અથવા તો સાંધેલા અને કયાંય ન ચાલે તેવા કપડા વેચવા માટેની ગુજરીબજાર ભરાય છે. એ જ રીતે ઈલેકશન નજીક આવે ત્યારે રાજકારણીઆેની ગુજરીબજાર ભરાવાનું શરૂ થઈ જાય છે અને ત્યાં રાજકારણીઆે પોતાના સિધ્ધાંતો, વિચારો અને આત્માને સસ્તાભાવે વેચે છે અને ખરીદદારો લાઈનમાં જ ઉભા હોય છે. આ એક વેરી ડીસ્ગસ્ટીગ હકીકત છે પરંતુ તેનો સ્વીકાર કરવો જ પડે એમ છે. ચૂંટણી આવે ત્યારે રાજકારણીઆે કદાચ ખુદ પોતાની જાતને પણ ભુલી જાય છે અને એમની છાતી પર અને કપાળ પર એક ચોકકસ ભાવનું લેબલ ચોટી જાય છે પછી જેને પોસાય તે એની ખરીદી કરી નાખે છે. ઈલેકશનની આ એક અત્યંત કડવી બાજુ છે. લોકો વર્ષોથી આ તમાશો જોતા રહ્યા છે. લોકોની સેવા કરવા અને એમના પ્રશ્નો ઉકેલવાનું નામ વટાવીને ફકત પોતાના અંગત સ્વાર્થ અને પરિવારના સ્વાર્થ સાધવાના મલીન અને ગંદા આશય સાથે આ લોકો ખુદ પોતાના જ મતક્ષેત્રના મતદારો સાથે ધોળા દિવસે વિશ્વાસઘાત કરે છે અને એમનું સન્માન પણ થાય છે.

ખાસ કરીને ગુજરાતમાં કેટલાક કાેંગ્રેસીઆેની વાત કરીએ તો એ લોકો ચણીયા બોરની જેમ એકદમ સસ્તા અને હાથવગા હોય છે. આ નગ્ન સત્યને પણ સૌએ સ્વીકારવું જ રહ્યું. કાેંગ્રેસ પાર્ટીની હાલત એવી છે જાણે માતા-પિતા વગરના અનાથ બાળકો રસ્તે રઝળતા હોય અને ગમે તે પકડીને એમને ગાડીમાં બેસાડી લે છે ! ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો કબજે કરવાના ઝનુની આશય સાથે ભાજપે કુકરી ગાંડી કરી છે અને સામા પક્ષે કાેંગ્રેસના કેમ્પમાં હજુ કોઈ સળવળાટ કે કોઈ ચમક દેખાતી નથી બલ્કે તેના માટે આઘાતના આંચકા જ નીકળી રહ્યા છે. કાેંગ્રેસના ચાર ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય જવાહર ચાવડા અને કહેવાતા સિંચાઈ કૌભાંડમાં જેલવાસનો બહોળો અનુભવ ધરાવતા સાબરીયાએ કાેંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો અને જવાહર ચાવડાને તો ઈલેકશનના નામે જાણે લોટરી જ લાગી ગઈ છે અને 24 કલાકની અંદર એમને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મળ્યું છે. સાબરીયાને એમની કવોલિટી મુજબ જ હજુ અધ્ધર રાખવામાં આવ્યા છે. સાબરીયાની મનોદશા કદાચ એવી હોઈ શકે કે ભાજપમાં પ્રવેશ કરી લઈએ તો માથે ભમી રહેલી મુશ્કેલીઆેનો સરળતાથી અંત આવી જાય અને સ્વચ્છ પ્રતિભાનું લેબલ લાગી જાય !

અલ્પેશ ઠાકોર ટોટલી વેપારી ટાઈપના રાજકારણી હોય તેવું દેખાય છે. કેરિયરના પ્રારંભે તો એમણે ચૂંટણીના રાજકારણમાં નહી પડવાની ડંફાશો મારી હતી ત્યારપછી તેઆે કાેંગ્રેસમાંથી ચૂંટાયા હતાં અને હવે લાગ જોઈને ભાજપમાં પ્રવેશ કરવાની વાતો સતત સોશ્યલ મિડિયા પર અને ઈલેકટ્રાેનિક ચેનલોમાં અને અખબારોમાં ગાજતી રહી હતી. અલ્પેશે ભાજપ અને કાેંગ્રેસ બંને સાથે વાતચીત ચાલુ રાખી હતી અને જે બાજુ સૌથી વધુ અને લાંબો ફાયદો દેખાય તે બાજુ ઢળવાનો વ્યાપારિક વ્યુપોઈન્ટથી નિર્ણય લીધો છે અને એવી જાહેરાત કરી છે કે પોતે હજુ કાેંગ્રેસમાં જ છે. (હવે કાેંગ્રેસની ભિક્ત કયારે પુરી થશે તેની આગાહી નોસ્ટ્રાદામસ પણ કરી શકે નહી.) આ ઉપરાંત બીજા કેટલાક કાેંગ્રેસના ધારાસભ્યો પણ વંડી ઠેકવાના છે તેવી જોરદાર વાતો કર્ણોપકર્ણ રાજકીય ગલિયારામાં ભમી રહી છે અને ગુજરાતમાં કાેંગ્રેસના પ્રદેશ નેતાઆેના પેટનું પાણી હલતું નથી. જો કે એમનામાં લીડરશીપના કોઈ ગુણ નથી માટે એમનું કોઈ સાંભળતું નથી કે માનતું નથી અથવા તો એમનામાં ખુદમાં કોઈ વજન નથી તેવું વિહંગાવલોકન જો રાજકીય નિરીક્ષકો કરે તો તે નિરાધાર નથી. રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવાના સપના જોઈ રહ્યા છે પરંતુ હંમેશા ડગુમગુ રહેલા ગુજરાત કાેંગ્રેસના સૈનિકોને તેઆે શિસ્તમાં લાવી શકયા નથી અને કાેંગ્રેસથી ભાજપ તરફના પ્રવાહને અટકાવી શકયા નથી. એક અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કાેંગ્રેસે 14 જેટલા ધારાસભ્યો ગુમાવી દીધા છે. કાેંગ્રેસના સૌથી વધુ નેતાઆે વંડી ઠેકવામાં માસ્ટર રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કાેંગ્રેસના કદાવર કહી શકાય તેવા નેતાઆે વંડી ઠેકીને ભાજપમાં જોડાઈ ગયા છે.

2014થી અત્યાર સુધીમાં કાેંગ્રેસ છોડીને આવેલા નેતાઆેમાં કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, ડો. આશા પટેલ, ડો. તેજશ્રી પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપુત, કરમશી પટેલ, અમીત ચૌધરી, રામસિંહ પરમાર, છબીલ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, માનસિંહ ચૌહાણ, પરસોતમ સાબરીયાનો સમાવેશ થાય છે.

વાચકોને યાદ આપવું જરૂરી છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે અને અહેમદ પટેલના રાજયસભાના ચૂંટણીના ડખ્ખા વખતે કુલ 18 જેટલા કાેંગ્રેસી નેતાઆે ભાજપમાં ગયા છે. આ લોકોને એવી લાલચ હશે કે અમે વંડી ઠેકીને જશું તો આવો આવો થશે, લાલ લાઈટવાળી ગાડી મળશે અને મોટા લોચા મળી જશે પરંતુ બીજી બાજુ જોઈએ તો આવા લોકોને પબ્લીક સ્વીકારતી નથી. વાસ્તવમાં જ્ઞાતિનું સૌથી મોટું સમર્થન હોય તે ખરેખર જીતે છે અને બાવળીયા અને રાદડીયા તેના જીવતા જાગતા દાખલા છે. ભાજપથી નારાજ થયેલા નેતાઆેની દશા બહુ ખરાબ થઈ છે તે આપણી સામે જ છે. જેમાં કેશુભાઈ પટેલ, નરહરી અમીન વગેરેનો સમાવેશ થઈ શકે છે. બાવળીયાના પક્ષપલટાને જનતાએ સમર્થન આપ્યું તેમ કહેવું અન્યાય ગણાશે માટે જ્ઞાતિ ફેકટર પર તેઆે ચૂંટાયા છે તેમ કહેવામાં કોઈ વાંધો નથી પરંતુ બધા પક્ષપલટુઆેને જીતનો લાભ મળતો નથી અને સમય જતાં એમની હાલત ખુણામાં પડેલા એક પથ્થર જેવી થઈ જાય છે કે જેની સામે કોઈ જોતું નથી અને તેની કોઈ નાેંધ લેવામાં આવતી નથી.

કાેંગ્રેસના સૌથી વધુ લોકો વંડી ઠેકીને જાય છે તે હકીકતનો એકસરે કરીએ તો ઘણી બધી વાતો સામે આવે છે. ભાજપની વાત કરીએ તો તેને કદાચ ખુદ પોતાના જ કાર્યકરોમાં વિશ્વાસ નહી હોય માટે તે વધુમાં વધુ કાેંગ્રેસીઆેને ખેંચે છે. કાેંગ્રેસીઆેને ખેંચીને તે ખુદ પોતાના જ ઘરમાં અસંતોષની હોળી સળગાવે છે. જવાહર ચાવડાને સીધું કેબિનેટ મંત્રીનું પદ આપી દીધા બાદ ભાજપમાં પણ અંદરખાને અસંતોષનો ગણગણાટ શરૂ થયો છે. જયારે કાેંગ્રેસની વાત કરીએ તો પક્ષપલટો કરનારા લોકોની પીડા એવી રહી છે કે પક્ષમાં અમારૂ કોઈ સાંભળતા નથી અને સતત અવગણના થાય છે પરંતુ હકીકત એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યને સંગઠન માળખા સાથે કોઈ લેવા દેવા હોતા જ નથી તો પછી અવગણનાની વાત કયાં આવીં વાસ્તવમાં આ લોકો લાલચ અને પ્રલોભનોની લપસણી ભુમી પર લપસી પડે છે અને બીજા પક્ષ સાથે જોડાઈ જાય છે. તોડફોડ કરવાની વાત અત્યારે સોશ્યલ મિડિયામાં ખુબ ચર્ચામાં છે પરંતુ ન્યાયી રીતે બોલવું હોય તો એમ કહી શકાય કે ચૂંટણી આવે ત્યારે તોડફોડ તો થવાની જ છે પરંતુ મોટા પ્રમાણમાં કાેંગ્રેસીઆે તૂટે છે શા માટે ં ગુજરાતમાં કયારેય કાેંગ્રેસનું ઘર વ્યવસ્થિત રહ્યું નથી અને તેના નેતાઆે ફકત મોટી મોટી વાતો કરીને મન મનાવી લેતા હોય છે અને રાહુલ ગાંધીની નાવમાં વધુ બાકોરા પાડતા રહે છે.

Comments

comments

VOTING POLL