ગુજરાતમાં ભારે મતદાન: કમળ ફરી ખીલશે કે પંજો પડશે

April 23, 2019 at 11:30 am


રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે લોકશાહીના મહાપર્વની ઉજવણી આજે ગુજરાતના મતદારોએ રંગેચંગે કરી છે. સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારભં થવાનો હતો પરંતુ મોટાભાગના મતદાન મથકોએ લોકો સવારના ૭ વાગ્યા પહેલાંથી જ લાઈનમાં ઉભા રહી ગયા હતા અને ઉનાળાની કાળઝાળ ગરમી બપોરે શરૂ થાય તે પહેલાં જ મતદાનની ફરજ પુરી કરવાનો થનગનાટ મતદારોના ચહેરામાં સ્પષ્ટ્રપણે જોવા મળતો હતો. ગુજરાતની ૨૬ બેઠકોમાં પ્રથમ બે કલાકમાં ૧૨થી ૧૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હોવાની માહિતી મળી રહી છે.
મતદાન દરમિયાન કયાંય કોઈ પ્રકારની મોટી અનિચ્છનીય ઘટના બની નથી અને લોકો શાંતિપૂર્ણ રીતે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. જો કે, સવારે મોકપોલ દરમિયાન અને ત્યારબાદ મતદાન શરૂ થતાં જ અનેક સ્થળોએ ઈવીએમ બગડયાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી હતી. જો કે, ચૂંટણીપંચે તાત્કાલીક બગડેલા ઈવીએમના સ્થાને નવા ઈવીએમ મુકીને મતદાનની પ્રક્રિયાને કોઈ માઠી અસર ન થાય તે માટે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી.
સવારના ૨ કલાકમાં ધીંગુ મતદાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. મતદાન કરવા જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતુશ્રી હિરાબાને મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા બાદ મોદી અને ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ વચ્ચે વાતચીત થઈ હતી. અમિત શાહે પણ આજે ગુજરાતમાં મતદાન કર્યું છે.
જો મતદાનનો ઉત્સાહ સવારના પ્રથમ બે કલાકમાં જોવા મળ્યો તેવો આખો દિવસ ચાલુ રહેશે તો મતદાનની ટકાવારી ઉંચી જવાની શકયતા નિહાળવામાં આવે છે. જો કે, સમગ્ર રાયમાં આજથી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી છે અને બપોરે કાળઝાળ ગરમીમાં મતદાનની લાઈનો ઓછી થાય તેવું લાગે છે.

વડાપ્રધાન મોદીએ માતાના આશીર્વાદ લઇ અમિત શાહની પૌત્રીને વ્હાલ કરી મત આપ્યો
મત આપી લોકશાહીમાં કર્તવ્ય નિભાવ્યાનું ગૌરવ: કુંભમેળાના સ્નાન પછી થતી પવિત્રતાની અનુભૂતિ જેવી લાગણી થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાણીપ ખાતેની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વોટિંગ કરવા જતાં પહેલાં નરેન્દ્ર મોદી તેના માતુશ્રી હિરાબાને મળવા અને તેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. હિરાબાએ નરેન્દ્ર મોદીને ચૂંદડી ભેટમાં આપી આશીર્વચન પાઠવ્યા હતા. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ હતી. આ વખતે અમિત શાહની પૌત્રીને તેડીને વડાપ્રધાને વ્હાલ કર્યું હતું.
મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુંભના મેળામાં સ્નાન કર્યા પછી પવિત્રતા અને આનંદની જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિ મતદાન કર્યા બાદ હું અનુભવું છું, તમે પણ ઉમગં અને ઉત્સાહથી મતદાન કરજો. ક્ષીરનિરના ભેદભાવ પારખી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી મત આપજો તેવી અપીલ પણ વડાપ્રધાને કરી હતી.
પ્રથમ વખત મતાધિકાર મેળવનાર યુવાનોને અપીલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં સક્રિય ભાગીદારીની મળેલી તક ચૂકતા નહીં. દેશની છબી ઉજવળ બનાવવા અને મતના શક્રનો ઉપયોગ કરવા મારો અનુરોધ છે.

 

Comments

comments