ગુજરાતમાં મેઘ મહેર : દાહોદમાં 7 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો

September 13, 2019 at 8:51 pm


ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. મોનસુનની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે દાહોદ, વલસાડ, નવસારી સહિતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દાહોદમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા. વાહનો બંધ પડી ગયા હતા. જનજીવન મોટાભાગે અટવાઈ પડ્યું હતું. આજે નવસારીના ખેરગામમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નવસારી ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના શામળાજી, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ વચ્ચે ગલતેશ્વરથી વડોદરા જિલ્લાનો સંપર્ક તુટી ગયો હતો. વ્યારા, માંડવી, પલસાણામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ પણ હવે બે કાંઠે થઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મેઘરાજા વધુ પડતા મહેરબાન થઇને વરસ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અને દાહોદ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આવતીકાલે પણ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલના દાહોદમાં આજે માત્ર ત્રણથી ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જાણે જળતરબોળ બની ગયો હતો અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય ગુજરાત ખાસ કરીને પંચમહાલ-દાહોદ પંથકમાં હજુ ભારે વરસાદની આગાહી હોઇ સ્થાનિક જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા હાઇએલર્ટ આપીને અધિકારીઓને હેડકવાર્ટર નહી છોડવા કડક તાકીદ કરાઇ હતી. દાહોદમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. તો, નાળા-તળાવો અને ડેમ છલકાયા હતા. ખાસ કરીને દાહોદ, ભીલવાડા, ઝાલોદ, લક્ષ્મી પાર્ક, મંદાર ચોકડી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી હતી. દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના પંથકો પણ ભારોભાર વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ ઓવરફલોની નજીક પહોંચતાં તંત્ર એલર્ટ પર આવી ગયુ હતુ. તો કડાણા ડેમમાંથી સાત લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અતિ ભારે વરસાદને લઇ આજે દાહોદમાં જળબંબાકારની Âસ્થતિને લઇ સ્થાનિક ગ્રામજનોની હાલત કફોડી બની હતી. કેટલાક સ્થળોએ વાછરડીઓ, ગાય સહિતના પશુધનને સલામત સ્થળે ખસડેવાની ફરજ પડી હતી. તો, કેટલાક નીચાણવાળા વિસ્તારમાંથી અસરગ્રસ્ત પરિવારોને પણ સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સ્થાનિક વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ બની હતી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. તાજેતરના સારા એવા વરસાદને પગલે સ્થાનિક નદીઓ, નાળા અને ડેમોમાં નવા નીરની નોંધનીય આવક થઇ છે, જેના કારણે, સ્થાનિક નદીઓ-નાળા છલકાઇ રહ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા, સુરત જિલ્લાના માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી અને ડાંગ જિલ્લાના વઘઈમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૦ તાલુકામાં બે-ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. સ્થાનિક નદી-નાળા, તળાવો-સરોવરો અને ડેમોમાં નવા નીરની ભારે આવક થઇ છે, જેને પગલે તે છલકાતાં તંત્રએ પાણીની સમસ્યાને લઇ રાહત અનુભવી હતી.

Comments

comments